Good News: હવે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને ‘કવચ’થી સજ્જ બનાવાશે
મુંબઈઃ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોના વધી રહેલા અકસ્માતોના નિયંત્રણ માટે રેલવે મંત્રાલય ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહ્યું છે, જે અન્વયે દેશના તમામ ઝોનમાં તબક્કાવાર સેફ્ટી સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં હવે કવચ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેએ લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોમાં સુરક્ષા હેતુ ‘કવચ‘ સિસ્ટમ લગાવાનો નિર્ણય લીધો છે. જેને લઈ ટેન્ડર બહાર પાડીને સર્વેનું કામ પણ શરૂ કર્યું છે. આ ટેકનોલોજી પર અંદાજિત 65 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ડિસમ્બર 2025 સુધીમાં મુંબઈ સેન્ટ્રલથી વિરારની વચ્ચે કવચ સિસ્ટમ લગાવી દેવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ સેન્ટ્રલથી લઈ વિરાર વચ્ચે સ્લો લાઈન છોડીને તમામ લાઈન પર કવચ લગાવામાં આવશે. લોકલ ટ્રેનોની સુરક્ષા માટે પહેલાથી જ ઓક્ઝિલરી વોર્નિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. જો કે ‘કવચ’ સિસ્ટમ એડવાન્સ છે અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો માટે હોય છે.
આ પણ વાંચો
ઓડિશા અને બિહારમાં ટ્રેન દુર્ઘટનાઓ બાદ રેલ્વેએ 1465 કિમી રૂટ પર ‘કવચ’ ઇન્સ્ટોલ કર્યું
ભારતમાં તૈયાર થયેલી આ ટેકનોલોજી ટ્રેનોની સામેની ટક્કરને રોકવા માટે સક્ષમ છે, જ્યારે બે ટ્રેન સામ-સામે આવી જાય તો તેમની સ્પીડ ઓછી કરીને ઓટોમેટિક બ્રેક લાગી જાય છે, તેનાથી દુર્ઘટના રોકી શકાય છે.
પશ્ચિમ રેલવેમાં પહેલાથી ‘કવચ’ પર કામ ચાલી રહ્યુ છે અને રતલામથી મુંબઈ સુધીનું કામકાજ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આના માટે રેલવેએ ત્રણ અલગ અલગ તબક્કામાં કોન્ટ્રેક્ટ આપ્યા છે. લગભગ 735 રૂટ કિમી અને 90 લોકોમોટિવ એન્જિન માટે 2022માં કામ શરૂ થઈ ગયુ છે. 336 રૂટ કિમી માટે વિરાર-સુરત-વડોદરા, 96 કિ.મી. વડોદરા-અમદાવાદ સેક્શન અને 303 રૂટ કિમી વડોદરા-નાગદા-રતલામ સેક્શન પર કામ ચાલી રહ્યુ છે. આના પછી હવે વિરારથી મુંબઈ સેન્ટ્રલ સુધીનું કામ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ સિસ્ટમ ધુમ્મસ જેવી પરિસ્થિતિમાં ટ્રેનોને સુરક્ષિત ચલાવવા, ટ્રેનોની ઓવર-સ્પીડિંગને રોકવા અને સિગ્નલ પાસ એટ ડેંજર (સ્પેડ) જેવી સ્થિતિમાં દુર્ઘટનાને રોકવા માટે આ ટેકનોલોજી લોકો પાઈલટને મદદકર્તા સાબિત થશે. આ ટેલનોલોજી અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી પર રેડિયો ટેકનોલોજી સાથે કામ કરે છે. આને ટ્રેકની આસપાસ લગાવામાં આવે છે અને સંપૂર્ણ ખર્ચ મળીને 50 લાખ રૂપિયા પ્રતિ કિમી જેટલો થાય છે. એન્જિન પર લગાવા માટે લગભગ 70 લાખ રૂપિયા પ્રતિ એન્જિન ખર્ચ આવે છે.