હવે કાંદાને કારણે સરકાર નહીં પડે….., સરકારે ભર્યું આ પગલું
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. એવામાં કાંદાની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સરકારના આ પગલાને લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે સરકારે કાંદાના ખેડૂતોને રાહત આપવા માટે આ પગલું જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ, ભૂતાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકા અને UAE એમ છ દેશમાં 99,150 ટન કાંદાની નિકાસ કરવાની મંજૂરી આપી છે.
થોડા સમય પહેલા દેશમાં વિષમ હવામાનને કારણે કાંદાનું ઉત્પાદન ઓછુ થયું હતું. મોટાભાગના ખેડૂતો તેમના સામાન્ય પાકના માત્ર 50 ટકા જ ઉત્પાદન કરી શક્યા હતા. સ્થાનિક માગણીને સંતોષવા માટે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે જ્યારે કાંદાનો પુષ્કળ પાક થયો છે ત્યારે નિકાસ પ્રતિબંધને કારણે વેચાણ ભાવ અત્યંત નીચા થઈ ગયા છે. જેના કારણે છેલ્લા પાંચ મહિનામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સતત કાંદાની નિકાસ અને કાંદાના ખેડૂતો પર પ્રતિબંધનો મુદ્દો ઉઠાવી રહી છે. સરકારના આ નિર્ણયને લોકસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. એક સમય હતો જ્યારે કાંદામાં ભાવમાં વધારો થવાને કારણે ભાજપની અટલ બિહારી વાજપેયીની સરકાર પડી ગઇ હતી. કેન્દ્ર સરકાર એ ભૂલનું પુનરાવર્તન કરવા નહોતી માગતી.
મહારાષ્ટ્રના ખેડૂતો તરફ કેન્દ્ર સરકાર ઓરમાયુ વર્તન દાખવી રહી છે, કાંદાના ખેડૂતોની સતત ઉપેક્ષા થઇ રહી છે, એવા આક્ષેપ કૉંગ્રેસ કરતી રહી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે ડિસેમ્બર 2023થી મહારાષ્ટ્રમાં કાંદાના ખેડૂતો ડુંગળીની નિકાસ પર મોદી સરકારના પ્રતિબંધ સામે સંઘર્ષ કરી રહ્યા છે.
હકીકત એ છે કે નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને તેમના કાંદા ઉત્પાદનના વાજબી ભાવ મળતા નથી, તેથી ખેડૂતો નારાજ છે. ચૂંટણી ટાણે કેન્દ્ર સરકાર કાંદાના ખેડૂતોની નારાજગી સહન કરવા માંગતી નથી. તેથી સરકારે કાંદાની નિકાસ કરવાની મંજૂરી આપી છે. જોકે, સરકારના અ પગલાં બાદ પણ ખેડૂતોની નારાજગી ઓછી નથી થઇ. તેમને લાગે છે કે નિકાસ માટે મંજૂર જથ્થો ‘ખૂબ ઓછો’ છે. મહારાષ્ટ્રના નાશિકમાંથી દર મહિને લગભગ 48,000 ટન ડુંગળીની નિકાસ થાય છે. સરકાર ખેડૂતોની માગણી ધ્યાનમાં લે અને વધુ કાંદાના નિકાસની મંજૂરી આપે એવી તેમની માગણી છે.