હવે ફારૂક અબ્દુલ્લા પર EDની તવાઇ? ક્રિકેટ એસોસિએશનમાં કૌભાંડ અંગે સમન્સ પાઠવાયું

ED Summoned Farooq Abdullah: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાને EDનું તેડું આવ્યું છે. નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતાને જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના એક Money Laundering Case અંતર્ગત પૂછપરછ માટે આવતીકાલે 13 ફેબ્રુઆરીએ હાજર થવાનું કહેવાયું છે.
EDએ વર્ષ 2022માં આ કૌભાંડ વિશે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કહેવાયું છે કે ફારૂક અબ્દુલ્લા જ્યારે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા ત્યારે તેમણે ક્રિકેટ એસોસિએશનના સરકાર તરફથી મળેલા ફંડનો દુરૂપયોગ કર્યો હતો. ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ અને અન્ય વિશિષ્ટ લોકોને તેમણે નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ આચરીને ફાયદો કરાવ્યો હતો. ક્રિકેટ એસોસિએશનને મળતા ફંડને તેમણે અનેક પ્રાઇવેટ બેંક એકાઉન્ટ અને નજીકના સંબંધીઓના ખાતામાં જમા કરાવ્યું હતું તેવો EDનો આરોપ છે.
BCCI તરફથી 112 કરોડ રૂપિયા ક્રિકેટ એસોસિએશનને આપવામાં આવ્યા હતા. જેમાંથી 43.6 કરોડ રૂપિયાની નાણાકીય હેરફેર થઇ હોવાનું EDએ જણાવ્યું છે. વર્ષ 2001થી 2012 વચ્ચે ફારૂક અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા.
લોકસભામાં શ્રીનગરનું પ્રતિનિધિત્વ કરતા 86 વર્ષીય ફારૂક અબ્દુલ્લાને અગાઉ પણ ED સમન્સ પાઠવી ચુકી છે. જો કે તેઓ સ્વાસ્થ્યના કારણો આપીને શ્રીનગર સ્થિત ED ઓફિસમાં હાજર રહ્યા ન હતા.
લોકસભા ચૂંટણી પહેલા ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેન અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ બાદ ફારુક અબ્દુલ્લા ત્રીજા વિપક્ષી નેતા છે જેમને EDનું તેડું આવ્યું છે. હેમંત સોરેનની EDએ ધરપકડ પણ કરી છે.