નેશનલ

હવે દિલ્હીમાં સરકારી હૉસ્પિટલમાં નકલી દવાઓનું કૌભાંડ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વધુ એક કૌભાંડ વિશે માહિતી મળી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે દાવો કર્યો છે કે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નકલી દવાઓ મળી આવી છે. હૉસ્પિટલમાં પરીક્ષણ કરાયેલા ૧૦% સેમ્પલ ફેલ સાબિત થયા છે. દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. નોંધનીય છે કે એલજીએ વિજિલન્સ વિભાગના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરી છે.

વિજિલન્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરતા દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ ચીફ સેક્રેટરીને લખેલી નોટમાં કહ્યું હતું કે ખરેખર આ ચિંતાજનક છે. આ દવાઓ લાખો દર્દીઓને આપવામાં આવી રહી છે. દવાઓની ખરીદી માટે જંગી બજેટની ફાળવણી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવેલા ૪૩ સેમ્પલમાંથી ૩ સેમ્પલ ફેલ થયા છે તેમજ ૧૨ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. આ ઉપરાંત ખાનગી પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવેલા અન્ય ૪૩ નમૂનાઓમાંથી ૫ નમૂના નિષ્ફળ ગયા છે અને ૩૮ નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ ગુણવત્તાના હોવાનું જાણવા મળ્યું છે. વિજિલન્સ વિભાગે જણાવ્યું હતું કે ૧૦ ટકાથી વધુ નમૂનાઓ નિષ્ફળ ગયા હોવાથી વિભાગે નમૂના લેવાનો વ્યાપ વધારવો જોઈએ. આ દવાઓ સરકારની કેન્દ્રીય એજન્સી દ્વારા ખરીદવામાં આવી હતી અને સરકારી હૉસ્પિટલો અને ક્લિનિક્સને સપ્લાય કરવામાં આવી હતી. જેમાં એમલોડિપિન, લેવેટીરાસેટમ, પેન્ટોપ્રાઝોલ નામની દવાઓ સરકારી અને ખાનગી બંને લેબ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. આ ઉપરાંત ખાનગી લેબમાં સેફાલેક્સિન અને
ડેક્સામેથાસોન પણ ફેલ થયા છે. તેમજ હજુ તો ચંદીગઢની સરકારી લેબમાં ૧૧ સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ છે.

નકલી દવા કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર દિલ્હી સરકારના પ્રધાન ગોપાલ રાયે કહ્યું હતું કે અત્યારે મારી પાસે આ અંગે કોઈ માહિતી નથી. તેમજ ગોપાલ રાયે કહ્યું હતું કે દર ત્રીજા દિવસે સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવે છે, પરંતુ તે તપાસમાંથી કંઈ બહાર આવતું નથી. જેના કારણે દિલ્હીનું કામ પ્રભાવિત થાય છે. સીબીઆઈ પાસે જ્યાં પણ ફાઈલ જાય છે ત્યાં અધિકારીઓ કામ કરવાનું બંધ કરી દે છે.

દિલ્હીના એલજીએ એવા સમયે દિલ્હી સરકારની સરકારી હૉસ્પિટલોમાં નકલી દવાઓ મળી આવવાના મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે જ્યારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સરકારના ઘણા નેતાઓ સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને કૌભાંડોને કારણે મુશ્કેલીમાં છે. દિલ્હી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અલગ-અલગ કથિત કૌભાંડોમાં ઈડી અને સીબીઆઈની કાર્યવાહીના કારણે જેલમાં છે. મનીષ સિસોદિયા અને સંજય સિંહ દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં જેલમાં છે, જ્યારે સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button