હવે, એલ્વિશ યાદવ પ્રકરણમાં બહાર આવી સ્ટિંગ ઓપરેશનની ક્લિપ…
બિગબોસ OTT-2ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવા મુદ્દે તેની સામે FIR નોંધાઈ છે. એવામાં 2 ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં રેવ પાર્ટીનો એજન્ટ રાહુલ યાદવ કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો છે અને આ વાતચીતમાં ઝેર, રેવ પાર્ટી અને એલ્વિશ યાદવ વિશે વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મેનકા ગાંધીની સ્વૈચ્છિક સંસ્થા પીપલ્સ ફોર એનિમલ(PFA) દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં રાહુલ યાદવ નામના એક વ્યક્તિ સાથે સંસ્થાના વ્યક્તિઓ સ્ટિંગ ઓપરેશન માટે તેની સાથે વારંવાર વાત કરી રહ્યા હતા. રાહુલે એલ્વિશ વિશે જે વાતો કરી તે સ્ટિંગ ઓપરેશનમાં રેકોર્ડ થઈ છે.
રાહુલે જણાવ્યું હતું કે એલ્વિશ યાદવ વાળી પાર્ટીનું આયોજન તેણે જ કર્યું હતું. પ્રોગ્રામ તેણે કર્યો હતો પણ તે લોકોને ત્યાં મુકીને પરત આવી ગયો હતો. એક વિદેશી વ્યક્તિની પાર્ટી હતી અને તેમાં ભાગ લેનારા પણ વિદેશીઓ જ હતા. દિલ્હીના છતરપુરમાં આયોજન થયું હતું. એલ્વિશે કહ્યું હતું કે તે છેલ્લા 15 વર્ષથી આ પ્રકારે રેવ પાર્ટીનું આયોજન કરે છે. તેની પાસે અનેક પ્રકારના કોબ્રા સાપ પણ છે.
આ ઉપરાંત PFA ના અન્ય એક રેકોર્ડિંગમાં રાહુલે કહ્યું હતું કે દિલ્હીમાં ઘણું ચેકીંગ થાય છે, ખૂબ જ ચેતીને રહેવું પડે છે પણ એલ્વિશને ત્યાં ક્યારેય કોઈ પ્રકારનું ચેકીંગ થતું નથી. અમે સપનું ઝેર કાઢી નાખીએ છીએ. અમારી પાસે અજગર, બ્લેક કોબ્રા, સ્મોલ કોબ્રા સહિતના સાપ છે. હવે મોબાઈલમાં ફોટો લઈને નથી ફરતા કારણકે પોલિસ ગમે ત્યારે ચેક કરે છે.
રાહુલે સાપના અનેક વિડિયો PFA ના માણસને મોકલ્યા હતા. તેણે વાતચીતમાં દાવો કર્યો હતો કે એલવિશનાં છતરપુર ના ફાર્મ હાઉસમાં પાર્ટીઓ યોજાય છે. તેમાં અનેક વિદેશી યુવતીઓ પણ હાજર હોય છે. PFA મેનકા ગાંધીની સંસ્થા છે જે એનિમલ વેલ્ફર માટે કામ કરે છે. આ સંસ્થા સાથે જોડાયેલા ગૌરવ ગુપ્તાએ નોએડા પોલીસમાં FIR નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા એલ્વિશ યાદવનું નામ બહાર આવ્યું હતું.