નેશનલ

એપલને નોટિસ

નવી દિલ્હી: ફોન હૅકિંગ પ્રકરણને મામલે સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી)એ એપલને નોટિસ મોકલી હોવાનું આઈટી સેક્રેટરી એસ. ક્રિષ્નને ગુરુવારે કહ્યું હતું.

વિપક્ષના અનેક સાંસદોને મળેલા ધમકીભર્યા સંદેશને મામલે સીઈઆરટીએ તપાસ શરૂ કરી હોવાનું તેમણે કહ્યું હતું.

કંપનીના ઉત્પાદનો ગોપનીયતા જાળવવા માટે જ ડિઝાઈન કરવામાં આવ્યા હોવાના તેમ જ તે સુરક્ષિત હોવાના કંપની દ્વારા અવારનવાર કરવામાં આવતા દાવા છતાં ૧૫૦ જેટલા દેશના લોકોને શા કારણે ધમકીભર્યા સંદેશા મોકલવામાં આવ્યા હતા એ અંગે એપલ સ્પષ્ટતા કરે એવું સરકાર ઈચ્છે છે એ પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ઍન્ડ આઈટી ખાતાના રાજ્યકક્ષાના પ્રધાને કરેલા નિવેદન બાદ સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને મહત્ત્વનો માનવામાં આવે છે.

એપલ દ્વારા ધમકીભર્યા સંદેશા મોકલવામાં આવ્યા હોવાની વિપક્ષના અનેક નેતાઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ સરકારે આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો.

માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે વિપક્ષ દ્વારા સરકાર પર કરવામાં આવેલા આક્ષેપોને એમ કહીને નકારી કાઢ્યા હતા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારના શાસનમાં થઈ રહેલી દેશની પ્રગતિને સહન ન કરી શકવાને કારણે વિપક્ષના નેતાઓ આ પ્રકારના આક્ષેપો કરી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવાના પ્રયાસ કરી રહ્યા છે.

એપલને નોટિસ પાઠવવામાં આવી હોવાના અહેવાલને આઈટી સેક્રેટરી એસ. ક્રિષ્નને ગુરુવારે સમર્થન આપ્યું હતું.

પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે આ મામલે સીઈઆરટી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને એપલ તેમાં સહકાર આપશે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button