નકારવાના અધિકાર વગર નોટા નકામું: નિષ્ણાતો
નવી દિલ્હી: ચૂંટણી માટેના ઈવીએમ પર નોટાના બટનનો રસ્તો ખોલી નાખનારા સુપ્રીમ કોર્ટના ચુકાદાના 10 વર્ષ બાદ પણ આ વિકલ્પને પસંદ કરનારા મતદાતાઓની સંખ્યા ઘણી ઓછી છે, જ્યારે બીજી તરફ નિષ્ણાતો આ શસ્ત્રની સરખામણી ‘દાંત વગરના વાઘ’ સાથે કરી રહ્યા છે, કેમ કે તેનાથી પરિણામો પર કોઈ અસર થતી નથી.
નોટા (નન ઓફ ધ અબોવ-ઉપરમાંથી એકેય નહીં)ને ભારતમાં સુપ્રીમ કોર્ટના 2013-સપ્ટેમ્બરમાં આપવામાં આવેલા ચુકાદાને પગલે સ્થાન મળ્યું હતું. રાજકીય પક્ષો દ્વારા દાગી ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારતા રોકવાના હેતુથી આ શસ્ત્ર આપવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો કે બેલટ પેપર/ઈવીએમમાં સુધારો કરવામાં આવે જેથી મતદારો એકેય ઉમેદવારને મતદાન ન કરવાનો વિકલ્પ અપનાવી શકે. 2013માં લાગુ કરવામાં આવેલા નોટાને ઈવીએમ પર સ્થાન આપવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે નોટાનું બટન ઉમેદવારોની યાદીમાં સૌથી નીચે રાખ્યું હતું.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં જે મતદાતાઓ કોઈપણ ઉમેદવારને મતદાન કરવા માગતા ન હોય તેમને માટે 49-ઓ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ મતદાન કેન્દ્રમાં આવું ફોર્મ ભરવાથી મતદાતાની ઓળખ છતી થઈ જતી હતી.
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીમાં મળીને નોટાને 1.29 કરોડથી વધુ મત મળ્યા હોવા છતાં દેશમાં ગુનાહિત રેકર્ડ ધરાવતા ઉમેદવારોની સંખ્યામાં વધારો જ થયો છે.
એસોશિયેસન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ મુજબ છેલ્લા એક દાયકામાં ગુનાહિત રેકર્ડની તપાસ ચાલી રહ્યાની સ્વૈચ્છિક જાહેરાત કરનારા સંસદસભ્યોની સંખ્યામાં વધારો થયો છે. 2009માં 30 ટકા સંસદ સભ્યો સામે ફોજદારી ગુના નોંધાયેલા હતા, જ્યારે 2019માં 43 ટકા સામે ફોજદારી ગુના નોંધાયેલા હતા.
જ્યાં સુધી ગુનાહિત ઉમેદવારનો સવાલ છે ત્યાં સુધી નોટાને કારણે કોઈ ફરક જોવા મળ્યો નથી. વાસ્તવમાં ફોજદારી ગુના ધરાવતા ઉમેદવારની સંખ્યામાં વધારો થયો છે, એમ એડીઆરના વડા નિવૃત્ત મેજર જનરલ અનિલ વર્માએ કહ્યું હતું.
નોટા દાંત વગરનો વાઘ છે, જેનાથી ફક્ત પાર્ટીના ઉમેદવારો સામેની નારાજગી વ્યક્ત કરી શકાય છે, તેનાથી વધુ કોઈ યોગદાન નથી. તેના સ્થાને જો નકારી કાઢવામાં આવેલા ઉમેદવારને ફરી ચૂંટણી લડવાથી રોકી શકાય એવો કાયદો બનાવવામાં આવે તો નોટાને મળતા મતોની સંખ્યામાં વધારો થશે. રાજકીય પાર્ટીઓને પણ નોટાની સંવેદનશીલતા સમજાશે, એમ એક્સિસ ઈન્ડિયાના ચેરમેન પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું. (પીટીઆઈ)