
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) હવે લોકસભા ચૂંટણી જ નહીં પણ MCDમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપ સામે એકસાથે લડવાનું નક્કી કર્યું છે. બંને પક્ષો હાલ ‘ઈન્ડિયા’ એલાયન્સના નેજા હેઠળ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, હવે બંને પક્ષોએ આ બંને પદ માટેની ચૂંટણી પણ એકસાથે લડવાનો પણ નિર્ણય કર્યો છે. કોંગ્રેસે શનિવારે જાહેરાત કરી હતી કે પાર્ટીના કાઉન્સિલરો 26 એપ્રિલે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કરશે.
આમ આદમી પાર્ટીએ મહેશ ખીચીને મેયર અને રવિન્દ્ર ભારદ્વાજને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. પૂર્વ ધારાસભ્ય અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંચાર વિભાગના વડા અનિલ ભારદ્વાજે કહ્યું કે અગ્રણી નેતાઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે પાર્ટી AAP ઉમેદવારને સમર્થન કરશે. આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે જેથી દિલ્હીના લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેમનું કામ થાય.
આ પણ વાંચો: લીકર કૌભાંડઃ ઈડી આમ આદમી પાર્ટીની કેટલીક મિલકતો જપ્ત કરવાની વેતરણમાં પણ
ઉલ્લેખનિય છે કે દિલ્હીની સાત લોકસભા બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 4 પર ઉમેદવારો ઉભા રાખ્યા છે અને ત્રણ પર કોંગ્રેસ ઉમેદવારો ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે. શરૂઆતમાં દિલ્હી કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ આમ આદમી પાર્ટી સાથે મિત્રતાની વિરુદ્ધ હતા. જોકે હાઈકમાન્ડના નિર્ણય બાદ વિરોધ કરી રહેલા આગેવાનોએ મૌન જાળવ્યું છે.
એમસીડીએ શુક્રવારે મેયરની ચૂંટણી માટે ચૂંટણી પંચ પાસે મંજુરી માંગી હતી અને એલજી વીકે સક્સેનાને પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવા વિનંતી કરી હતી. લોકસભાની ચૂંટણીના કારણે અમલી બનેલી થયેલી આચારસંહિતાના કારણે ચૂંટણી પંચની પરવાનગી જરૂરી છે. ભાજપે મેયર પદ માટે કિશન લાલ અને ડેપ્યુટી મેયર પદ માટે નીતા બિષ્ટને ઉમેદવાર બનાવ્યા છે.