માત્ર પ્રજવલ રેવન્ના નહીં, આ નેતાઓના પણ સેક્સકાંડ છાપે ચડી ચૂક્યા છે
નવી દિલ્હીઃ કર્ણાટક સહિત દેશભરના રાજકારણમાં ખળભળાટ મચાવનાર જેડી (એસ)ના સાંસદ પ્રજવલ રેવન્નાનો સેક્સકાંડ છાપે ચડ્યો છે. હાલમાં પ્રજવલ દેશ છોડી ભાગી છૂટ્યો છે, પરંતુ તેના આ ઘૃણાસ્પદ દુષ્કૃત્યને લીધે સૌ કોઈ શરમજનક સ્થિતિમાં મૂકાયા છે. જોકે માત્ર પ્રજવલ જ નહીં દેશના ઘણા રાજકારણીઓ આ પ્રકારના વિવાદોમાં સપડાયા છે. એક તરફ મહિલા શક્તિની વાતો કરતા તમામ રાજકીય પક્ષોના નેતાઓના આવા કરતૂત કાં તો છાપે ચડ્યા છે અને કાં તો લોકમૂખે ચર્ચાયા છે, પણ તેના પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો છે.
2009માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ દત્ત તિવારી આંધ્રપ્રદેશના રાજ્યપાલ હતા. આ દરમિયાન એક દિવસ તેની સેક્સ સીડી બહાર આવી, જેણે સમગ્ર દેશની રાજનીતિને હચમચાવી દીધી. તિવારી મહિલાઓ સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. જે બાદ તેમણે રાજ્યપાલ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. જો કે, તેણે તેને તેના વિરોધીઓનું કાવતરું ગણાવ્યું હતું.
90ના દાયકામાં ઉત્તર પ્રદેશની રાજનીતિમાં અમરમણિ ત્રિપાઠીનું નામ ઘણું મોટું હતું. તેઓ એક મજબૂત નેતા હતા અને તમામ રાજકીય પક્ષો માટે જરૂરી બની ગયા હતા. આ સમય દરમિયાન, કવયિત્રી મધુમિતા શુક્લા સાથે તેના ગેરકાયદેસર સંબંધો પ્રકાશમાં આવ્યા હતા. શુક્લા તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ કેસમાં અમરમણિ દોષિત સાબિત થયો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તાજેતરમાં જ તેને મુક્ત કરવામાં આવ્યો છે.
આ યાદીમાં ગોપાલ કાંડાનું નામ પણ સામેલ છે. એર હોસ્ટેસ ગીતિકા શર્માએ ઓગસ્ટ 2012માં પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં શર્માએ ગોપાલ કાંડા પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જો કે ગયા વર્ષે જ આ કેસમાં ગોપાલ કાંડાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
મહારાષ્ટ્રના તત્કાલીન શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા અને હાલમાં એકનાથ શિંદેજૂથ સાથે જોડાયેલા સંજય રાઠોડ પણ વિવાદોમાં સપડાયા હતા. કોરોનાકાળ દરમિયાન એમવીએની સરકારમાં કેબિનેટ પ્રધાન એવા સંજય રાઠોડના ત્રાસથી પૂજા ચવ્હાણ નામની યુવતીએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો થયા હતા. ચવ્હાણ અને સંજયના કથિત સંબંધો વિશે પણ અહેવાલો આવ્યા હતા. રાઠોડે પદ છોડવું પડ્યું હતું, પણ ફરી મહાયુતી સરકારમાં તેમને પ્રધાન બનાવવામાં આવ્યા છે.