ખડગેની પીએમ પદની દાવેદારી પર પવાર નીતીશ જ નહીં પવાર પણ થયા ગુસ્સે
નવી દિલ્હીઃ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અલાયન્સમાં ઓલ ઇઝ નોટ વેલ. દિલ્હીમાં અલાયન્સની ચોથી બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પીએમ ચહેરો જાહેર કરવાના પ્રસ્તાવ પરનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. જેડીયુ નેતા નીતીશ કુમારની નારાજગીની ખબરોની વચ્ચે એનસીપી સુપ્રીમો શરદ પવાર પણ નારાજ હોવાની જાણકારી સામે આવી છે. શરદ પવારે ઇશારામાં જણાવી દીધું છે કે 1977ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ વડા પ્રધાન પદનો ઉમેદવાર જાહેર કરવામાં નહોતો આવ્યો.
ઇન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક દિલ્હીમાં થઇ હતી. આ બેઠકમાં સીટ શેરિંગની ફોર્મ્યુલા પર અને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવા અંગે ચર્ચા થઇ. આ દરમિયાન ટીએમસી નેતા મમતા બેનરજીએ ઇન્ડિયા ગઠબંધન તરફથી કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમના આ પ્રસ્તાવને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ સહિત 12 પાર્ટીએ સમર્થન આપ્યું હતું. જોકે, ગઠબંધનમાં સામેલ 28 પાર્ટીમાંથી અન્ય પાર્ટીઓએ તત્કાળ સહમતી નહોતી આપી. તેથી આ પ્રસ્તાવ આગળ વધી નહીં શક્યો. ત્યાર બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં નીતીશ કુમાર સામેલ નહીં થયા. તેઓ પહેલા જ બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. એને નીતીશ કુમારની નારાજગી સાથે જોડી દેવામાં આવ્યું.
આ મુદ્દે હવે શરદ પવારની પ્રતિક્રિયા આવી છે. પવારે જણાવ્યું છે કે ચૂંટણીઓ પછી વિપક્ષ તરફથી મોરારજી દેસાઇને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. એ સમયે પણ એમ કહેવામાં આવ્યું હતું કે અગર કોઇ ચહેરો લોકો સમક્ષ નહીં લાવીએ તો ચૂંટણીના પરિણામ તેમની તરફેણમાં નહીં આવે. શરદ પવારે એમ પણ જણાવ્યું હતું કે લોકો પરિવર્તન લાવવાના મૂડમાં હશે તો જરૂર પરિવર્તન લાવવા માટે મત આપશે.
દરમિયાનમાં ભાજપના પ્રવક્તા શેહજાદ પૂનાવાલાએ શરદ પવારની ટિપ્પણીઓ ટાંકીને જણાવ્યું હતું કે કૉંગ્રેસ પણ મમતા બેનરજી દ્વારા આગળ કરવામાં આવેલા ખડગેજીના નામથી ખુશ નહોતી. પૂનાવાલાએ એમ પણ કહ્યું હતું કે ફરી એક વાર વિપક્ષી ગઠબંધનનું વિભાજન જોવા મળી રહ્યું છે.
1975માં તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી હતી. 1975 અને 1977 વચ્ચે મોરારજી દેસાઇ અને જયપ્રકાશ નારાયણ સહિત અનેક વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓને જેલમાં નાખવામાં આવ્યા હતા. કટોકટી વખતે પ્રેસ સ્વતંત્રતા અને નાગરિક સ્વતંત્રતા પર પાબંદી લગાવવામાં આવી હતી. કૉંગ્રેસના રાજનૈતિક વિરોધીઓ પર કાર્યવાહી તેજ કરવામાં આવી હતી.
માર્ચ 1977માં કટોકટી હટાવ્યા પહેલા ઇન્દિરા ગાંધીએ જાન્યુઆરી 1977માં નવેસરથી ચૂંટણીની જાહેરાત કરી હતી. તેમણે વિપક્ષી નેતાઓને પણ જેલમાંથી છોડવાનો આદેશ આપ્યો હતો. જાન્યુારી 1977માં નવી દિલ્હીમાં જનતા પાર્ટીની સ્થાપના થઇ, જેના અધ્યક્ષ મોરારજી દેસાઇ અને ઉપાધ્યક્ષ ચરણ સિંહ હતા. ભારતીય જનસંઘ, ભારતીય લોક દળ, કૉંગ્રેસ (ઓ), સોશિયાલિસ્ટ પાર્ટી એમ બધા પક્ષ સાથે આવ્યા હતા. માર્ચ 1977માં મતદાન થયું ત્યારે જનતા પાર્ટીએ જીત મેળવી અને કૉંગ્રેસની હાર થઇ હતી. બે મહિનાની અંદર ચૂંટણી થવાથી વિપક્ષને પીએમ પદનો ઉમેદવાર જાહેર કરવાનો પણ મોકો નહોતો મળ્યો. ચૂંટણી બાદ 81 વર્ષના મોરારજી દેસાઇને સર્વસંમતિથી નવા વડા પ્રધાન ચૂંટવામાં આવ્યા હતા.