કોવિડ વૅક્સિન તૈયાર કરનારા બે વૈજ્ઞાનિકને મેડિસિનનો નોબેલ
સ્ટોકહોમ: કોવિડ-19 સામેની અસરકારક એમઆરએનએ વેક્સિન તૈયાર કરવામાં ભાગ ભજવનારા બે વૈજ્ઞાનિકને મેડિસિન માટેના નોબેલ પુરસ્કાર વિજેતા જાહેર કરાયા હતા. યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા સાથે સંકળાયેલા કેટેલિન કેરિકો અને ડ્રુ વેઈસમેનને આ અવોર્ડ આપવાનું સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. નોબેલ પ્રાઈઝનો નિર્ણય કરનારી સમિતિએ એક નિવેદનમાં કહ્યું કે `આધુનિક સમયમાં માનવીના આરોગ્ય સામે સૌથી જોખમી સંકટોમાંથી એક સામે ઝડપભેર વેક્સિન વિકસાવવામાં આ બંને વૈજ્ઞાનિકના સંશોધને ફાળો આપ્યો હતો. આપણી ઈમ્યુન સિસ્ટમને એમઆરએનએ કેવી રીતે સક્રિય કરે છે તેની આપણી સમજ વિકસાવવામાં તેમની ભૂમિકા હતી.’ એમઆરએનએ એટલે કે મેસેન્જર રિબોન્યૂક્લિક ઍસિડ રોગ સામે શરીરના ઈમ્યુન સિસ્ટમને સક્રિય કરે છે અને દર્દી સાજો થઈ શકે છે. કોવિડ-19 સામેની અસરકારક એમઆરએનએ વેક્સિન વિક્સાવવામાં બંનેના સંશોધને મહત્ત્વનો ફાળો આપ્યો હતો. મંગળવારે ફિઝિકલ, બુધવારે કેમિસ્ટ્રી અને ગુરુવારે સાહિત્યના નોબેલ પ્રાઈઝ વિજેતાઓના નામ જાહેર થશે. નોબેલ પીસ પ્રાઈઝ શુક્રવારે અને ઈકોનોમિક્સ અવોર્ડ સોમવારે જાહેર થશે. 10મી ડિસેમ્બરે વિજેતાઓને એક સમારંભમાં અવોર્ડ એનાયત કરવામાં આવશે. સ્વીડનના ઓસ્લો શહેરમાં પીસ પ્રાઈઝ અને સ્ટોકહોમમાં અન્ય ઈનામો આપવામાં આવશે.
નોબેલ એસેમ્બલીના સચિવ થોમસ પેરિમેને સોમવારે મેડિસિન માટેનો અવોર્ડ જાહેર કર્યો હતો. બંને વૈજ્ઞાનિકોને અવોર્ડના સમાચાર મળ્યા પછી તેમને ખૂબ આનંદ થયો હતો, તેવું પેરિમેને જણાવ્યું હતું.
ફિઝિયોલોજિ અથવા મેડિસિન માટેનું ગયા વર્ષનું નોબેલ પ્રાઈઝ સ્વીડનના વૈજ્ઞાનિક પાબોને આપવામાં આવ્યું હતું. 1982માં મેડિસિનનું નોબેલ પ્રાઈઝ પાબોના પિતા બર્ગસ્ટ્રોમને આપવામાં આવ્યું હતું. આ વર્ષના અવોર્ડ વિજેતા કેટોલિન કેરિકો હંગેરીની કોલેજમાં અને યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયામાં પ્રોફેસર છે, જ્યારે ડ્રુ વેઈસમેને કેરિકો સાથે યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયામાં એમઆરએનએના વિષય પર સંશોધન કર્યું હતું.