નરગિસ મોહમ્મદીને શાંતિનું નોબેલ
ઓસ્લો: ઈરાનના ચળવળકાર નરગિસ મોહમ્મદીને મહિલાઓના દમન સામે ઝુંબેશ ચલાવવા બદલ નોબેલ પીસ પ્રાઈઝ મળ્યું છે. નોર્વેજિયન નોબેલ કમિટીના ચેરમેને શુક્રવારે પીસ પ્રાઈઝની જાહેરાત કરતા કહ્યું કે “ઈરાનમાં મહિલાઓના દમન સામેની ચળવળના નેતા નરગિસ મોહમ્મદીના પ્રદાન માટે આ પ્રાઈઝ આપવામાં આવ્યું છે.” નોબેલ પીસ પ્રાઈઝ વિજેતા બનેલી 19મી મહિલા નરગિસ મોહમ્મદી હાલમાં જેલમાં છે. મોહમ્મદીની પ્રથમ વાર 2011માં ધરપકડ કરવામાં આવી હતી. તેમની 13 વાર ધરપકડ કરવામાં આવી છે અને પાંચ વાર ગુનો સાબિત થયો છે. મોહમ્મદીને કુલ 31 વર્ષની જેલની સજા થઈ છે. માનવહક્ક માટે ઝુંબેશ ચલાવનારી મહિલા એક્ટિવિસ્ટ શિરિન ઈબાદીને વર્ષ 2003માં નોબેલ પીસ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.
ઈરાનની પ્રતિબંધિત સંસ્થા ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઈટસ સેન્ટરની સ્થાપના શિરિન ઈબાદીએ કરી હતી. મોહમ્મદી આ સંસ્થાના ઉપપ્રમુખ હતાં. વર્ષ 2018માં મોહમ્મદીને એન્ડે્રઈ સાખારાવ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. ગયા વર્ષનું નોબેલ પ્રાઈઝ યુક્રેન, બેલારુસ અને રશિયાના હ્યુમન રાઈટસ એક્ટિવિસ્ટ એલેસ બિઆલિયાસ્કીને આપવામાં આવ્યું હતું. નેલ્સન મંડેલા, બરાક ઓબામા, મિખાઈલ ગોર્બાચોવ, સુ કી અને યુનાઈટેડ નેશન્સનો પીસ પ્રાઈઝના અન્ય વિજેતાઓ સમાવેશ થાય છે.
ઈરાનના સરકારી ટેલિવિઝન અને અન્ય સરકારી મીડિયાએ તાત્કાલિક પ્રતિભાવ આપ્યો ન હતો.