ટ્રેનોમાં ‘નેચર કોલ’: પ્રવાસીઓને સુવિધા, ‘લોકો પાઈલટ્સ’ને અ-સુવિધા, કેવી આધુનિકતા?
મુંબઈ: ભારતીય રેલવે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો માટે વંદે ભારત એક્સપ્રેસથી લઈને બુલેટ ટ્રેન દોડાવવા સજ્જ બની છે, ત્યારે સૌથી મોટી સમસ્યા છે કે આધુનિક યુગમાં આજે પ્રવાસીઓને નેચર કોલ માટે સુવિધા મળી રહે છે, પરંતુ આ જ ટ્રેનોના ડ્રાઈવરોને ટોઈલેટ જેવી સુવિધાથી વંચિત હોવાની વાતથી સંગઠનો પણ સુવિધા ઊભી કરવા અનુરોધ કર્યો છે.
પ્રવાસીઓની સુવિધાઓ માટે રેલવે દ્વારા નવા નવા પ્રયોગો કરવામાં આવે છે અને નવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવે છે, પરંતુ સેંકડો પ્રવાસીઓને પોતાના મુકામે પહોંચાડતા ટ્રેન ચલાવનારા લોકો પાઇલટ્સની સુવિધા માટે અત્યાર સુધી રેલવે દ્વારા કોઇ સુવિધા ઊભી કરવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
તેમાં પણ સૌથી પાયાની કહી શકાય તેવી શૌચાલયની સુવિધા પણ લોકો પાઇલટ્સ માટે ન હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેના કારણે દસથી બાર કલાકની ડ્યૂટી કરનારા લોકો પાઇલટ્સ માટે ખુપ કપરી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. પશ્ચિમ રેલવે પાસેથી મળેલી માહિતી અનુસાર કુલ મુંબઈ-વડોદરા ડિવિઝનની ટ્રેનોના 421 એન્જિનમાંથી ફક્ત એક જ એન્જિનમાં ટોઇલેટ એટલે કે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ભારતીય રેલવેમાં કુલ 15,000 લોકોમોટિવ અને 70,000 લોકો પાઇલટ્સ છે. ઇલેક્ટ્રિક લોકોમોટિવમાંથી ફક્ત એક જ એવું એન્જિન છે જેમાં ટોઇલેટની સુવિધા આપવામાં આવી છે. આવામાં પોતાની ફરજ દરમિયાન જો કોઇ લોકો પાઇલટને શૌચાલયનો ઉપયોગ કરવાની જરૂર લાગે તો તેમના માટે મોટી મુશ્કેલી ઊભી થતી હોય છે. આવી પરિસ્થિતિમાં લોકો પાઇલટ્સે સ્ટેશન આવે ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે. એવામાં ડાયાબિટીઝના દરદી હોય તેવા લોકો પાઇલટ્સ માટે તો પરિસ્થિતિ વધુ કપરી બની જતી હોય છે.
બીમારીઓને નોતરે છે આવી ‘અ-સુવિધા’
નોંધનીય છે કે કુદરતી હાજત કે પછી શૌચને રોકી રાખવાના કારણે કિડની સહિતના અવયવો પર પણ ખૂબ ભાર પડતો હોય છે અને તેના કારણે આ અવયવો લાંબે ગાળે ખરાબ થવાની શક્યતા પણ વધી જતી હોય છે. તેના કારણે કિડની સ્ટોન જેવી અનેક બીમારીઓ થતી હોય છે. ઉપરાંત, નેચર કોલને અટકાવી રાખવાને કારણે વ્યક્તિને શારીરિક જ નહીં, પરંતુ માનસિક રીતે પણ અસર પડે છે.
Also Read –