
નવી દિલ્હીઃ ભારતીય રેલવેને લાખો લોકોની લાફઈલાઈન માનવામાં આવે છે. દરરોજ સેંકડો મુસાફરો એક શહેરમાંથી બીજા શહેરમાં આવ-જા કરે છે. રેલવે દ્વારા 1 જુલાઈથી નવો નિયમ લાવવામાં આવી રહ્યો છે, જે મુજબ આધાર ઓથોન્ટિકેશન વગર યુઝર તત્કાલ ટ્રેન ટિકિટ બુક નહીં કરી શકે. થોડા દિવસો પહેલા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિયમ લાગુ કરવાની વાત કરી હતી.
રેલવે મંત્રાલય દ્વારા 10 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં તમામ ઝોનને આ નિયમ લાગુ કરવા અંગે જાણ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, 1 જુલાઈ 2025થી આઈઆરસીટીસીની વેબસાઈટ કે એપ પરથી માત્ર આધાર ઓથેન્ટિકેશન દ્વારા જ ટિકિટ બુક કરી શકાશે. 15 જુલાઈ 2025થી તત્કાલ બુકિંગ માટે પણ આધાર આધારિત ઓટીપી ઓથેન્ટિકેશન ફરજીયાત કરવામાં આવશે.
રેલવે એજન્ટને શું થશે અસર
આ ઉપરાંત રેલવે એજન્ટ પણ તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થવાના 30 મિનિટ સુધી ટિકિટ બુકિંગ નહીં કરી શકે. એસી ક્લાસ માટે આ સમય સવારે 10 થી 10.30 સુધી અને નોન એસી ક્લાસ માટે 11 થી 11.30 સુધી રહેશે.
રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે શું કરી હતી પોસ્ટ?
ચોથી જૂને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે ઈ-આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ શરૂ કરાશે. પોસ્ટમાં તેમણે ફાયદો જણાવતાં લખ્યું કે, આ પદ્ધતિથી રેલવેને અસલી ઉપયોગકર્તાઓને જરૂરિયાતના સમયે કન્ફર્મ ટિકિટમાં મદદ મળશે. હવે રેલવે મંત્રાલય દ્વારા 1 જુલાઈથી આ પ્રોસેસ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો - અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જતાં બીએસએફ જવાનોને ફાળવાઈ જર્જરિત ટ્રેન, ફરિયાદ બાદ બદલવામાં આવી
કેટલા કરોડ છે આઈઆરસીટીસી યૂઝર્સ
આઈઆરસીટીસી મુજબ દેશમાં યૂઝર્સની સંખ્યા 13 કરોડથી વધુ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માત્ર 10 ટકા યૂઝર્સ જ આધાર વેરિફાઈડ છે. આ સ્થિતિમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને મજબૂત બનાવવાના ઉદ્દેશથી ભારતીય રેલવે નિયમોને કડક બનાવી રહ્યું છે. તેમજ આધાર વેરિફાઈડ આઈઆરસીટીસી એકાઉન્ટ જ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગની મંજૂરી આપી છે.