લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સભ્યો ડાબેરી ઉગ્રવાદ વિશે પ્રશ્નો પૂછી રહ્યા હતા અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. દરમિયાન, પશ્ચિમ બંગાળના ડમડમથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રોફેસર સૌગત રોયે એક પ્રશ્ન પૂછતા પશ્ચિમ બંગાળનું ઉદાહરણ આપ્યું હતું. પ્રોફેસર રોયના પ્રશ્ન પર, ગૃહ પ્રધાન અમિત શાહ પોતે ઉભા થયા અને હસતાં હસતાં જવાબ આપ્યો હતો કે, “હું માનું છું કે કોઈ પણ રાજ્ય એવું ઈચ્છશે નહીં કે પશ્ચિમ બંગાળ મોડલ ત્યાં અપનાવવામાં આવે.”
ટીએમસી સાંસદ પ્રોફેસર સૌગત રોયે કહ્યું હતું કે છેલ્લા 10-15 વર્ષોમાં ડાબેરી ઉગ્રવાદની સમસ્યા ચાર-પાંચ રાજ્યોમાં થઇ રહી છે. ડાબેરી ઉગ્રવાદની સમસ્યા છત્તીસગઢમાં સૌથી વધુ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં ગઢચિરોલી, ઓડિશામાં કોલ્હાપુર અને પછી આંધ્રપ્રદેશમાં આ સમસ્યા છે. તેમણે કહ્યું હતું કે અત્યારે પણ અમે દર અઠવાડિયે માઓવાદીઓ સાથે એન્કાઉન્ટર જોઈ રહ્યા છીએ, પણ માઓવાદ અટક્યો નથી. સૌગત રોયે આટલેથી અટક્યા હોત તો ઠીક હતું, પણ તેઓ તો મમતા બેનરજીના ગુણગાન ગાવાના શરૂ કર્યા હતા અને કહ્યું હતું કે પ. બંગાળમાં પણ ડાબેરી ઉગ્રવાદ થયો હતો. મમતા બેનરજીની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને આદિવાસી છોકરાઓને નોકરીઓ આપીને કરાયેલા કામોને કારણે માત્ર એકમોત થયું અને ડાબેરી ઉગ્રવાદ બંધ થઇ ગયો. સ્પીકર ઓમ બિરલાએ પ્રોફેસર રોયને અટકાવ્યા હતા અને પૂછ્યું હતું કે તમારો પ્રશ્ન શું છે?
આ પણ વાંચો : બાંગ્લાદેશની સ્થિતિ અંગે સર્વપક્ષીય બેઠકમાં સરકારે આપી માહિતી
ટીએમસી સાંસદે કહ્યું હતું કે, હું ગૃહ પ્રધાનને પૂછવા માંગુ છું કે શું તેઓ પશ્ચિમ બંગાળના મોડલનો અભ્યાસ કરશે અને તે જ મોડલને છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં લાગુ કરશે? કારણ કે ઉગ્રવાદીઓ નિયંત્રણમાં નથી. તેના જવાબમાં ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે જે પણ રાજ્ય સારું કરે છે, તેનો દાખલો સમગ્ર દેશમાં લાગુ કરવામાં નરેન્દ્ર મોદી સરકારને કોઈ વાંધો નથી. પરંતુ હું માનું છું કે કોઈ પણ રાજ્ય એવું ઈચ્છશે નહીં કે ત્યાં પશ્ચિમ બંગાળ મોડલ અપનાવવામાં આવે.