બજેટમાં કોઈ રાજ્યની અવગણના કરવામાં આવી નથી, વિપક્ષ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે: નિર્મલા સીતારમણ
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે વિપક્ષી સાંસદોના વિરોધ વચ્ચે બજેટ 2024નો બચાવ કરતાં જણાવ્યું હતું કે તે ભેદભાવપૂર્ણ નથી. રાજ્યસભામાં બોલતા તેમણે કહ્યું હતું કે બજેટમાં કોઈપણ રાજ્યની અવગણના કરવામાં આવી નથી અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ જાણી જોઈને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તેમના ભાષણ બાદ તરત જ વિપક્ષના સાંસદો રાજ્યસભામાંથી વોકઆઉટ કરી ગયા હતા.
દરેક બજેટમાં દેશના દરેક રાજ્યનું નામ લેવાની તક મળતી નથી એમ સીતારમણે વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાઢવાણ ખાતે બંદર સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ મંગળવારે તેમના બજેટ ભાષણમાં રાજ્યના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
શું આનો અર્થ એ છે કે મહારાષ્ટ્રની અવગણના થઈ રહી છે? જો ભાષણમાં કોઈ ચોક્કસ રાજ્યનું નામ ન લેવામાં આવે છે, તો શું તેનો અર્થ એ છે કે ભારત સરકારના કાર્યક્રમો આ રાજ્યોમાં જતા નથી? આ કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષનો બદઇરાદાપૂર્વકનો પ્રયાસ છે. લોકોમાં એવી છાપ ઊભી કરવામાં આવી રહી છે કે અમારા દ્વારા શાસિત રાજ્યોને કંઈ આપવામાં આવ્યું નથી, આ એક અપમાનજનક આરોપ છે એમ નાણા પ્રધાને જણાવ્યું હતું.
નિર્મલા સીતારમણે કોંગ્રેસના વડા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના ભાષણ તરફ ધ્યાન દોર્યું જેમાં તેમણે બજેટને ‘ભેદભાવપૂર્ણ’ ગણાવ્યું હતું.
‘બે રાજ્યો સિવાય કોઈ પણ રાજ્યને બજેટથી ફાયદો થયો નથી – તેમની પ્લેટો ખાલી હતી જ્યારે બે રાજ્યોની પ્લેટ પકોડા અને જલેબીથી ભરેલી હતી,’ એમ ખડગેએ પોતાના ભાષણમાં ગૃહમાં જણાવ્યું હતું.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી સહિત કેટલાક વિપક્ષી સાંસદોએ આજે ‘ભેદભાવપૂર્ણ’ બજેટ સામે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં સંસદની બહાર ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. (પીટીઆઈ)