કે. કવિતાને કોર્ટમાંથી રાહત નહીં.. વચગાળાની જામીન અરજી ફગાવાઇ

નવી દિલ્હીઃ Delhi liquor policy caseમાં ધરપકડ કરાયેલ ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. કવિતાએ તેના 16 વર્ષના પુત્રની ચાલી રહેલી પરીક્ષાઓને ટાંકીને વચગાળાના જામીનની માંગણી કરી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કવિતા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી હાજર રહેલા વકીલની દલીલો સાંભળ્યા બાદ 4 એપ્રિલે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. કોર્ટે આજે ચુકાદો જાહેર કર્યો હતો.
સુનાવણી દરમિયાન કે. કવિતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ પીએમએલએની કલમ 45 અને મહિલાઓને અપવાદ આપતી જોગવાઈનો ઉલ્લેખ કર્યો હતો. સિંઘવીએ પોતાની દલીલમાં કહ્યું હતું કે, ‘એવું નથી કે કવિતાનો બાળક નાનો છે. તેની ઉંમર 16 વર્ષ છે, પરંતુ અહીં મુદ્દો અલગ છે. આ બાળક માટે માતાના નૈતિક અને ભાવનાત્મક સમર્થનનો મુદ્દો છે. માતા કે. કવિતાની ધરપકડથી તેના પુત્રને પહેલેથી જ આઘાત લાગ્યો છે. વડાપ્રધાન પોતે રેડિયો પર લેક્ચર આપે છે કે પરીક્ષાની ચિંતાનો સામનો કેવી રીતે કરવો, કારણ કે પરીક્ષા દરમિયાન બાળકો દબાણમાં હોય છે.’ બાળક પ્રત્યે માતાના ભાવનાત્મક ટેકાનું સ્થાન અન્ય કોઈ લઈ શકતું નથી તે તરફ ધ્યાન દોરતા સિંઘવીએ દલીલ કરી હતી કે ઇડીને કે. કવિતાની તાત્કાલિક પૂછપરછની કોઇ જરૂર નથી. તેના આધારે તેને વચગાળાના જામીન મળી શકે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કે. કવિતાની વચગાળાની જામીન અરજી સામે વાંધો ઉઠાવતા દલીલ કરી હતી કે કેસના તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લેતા, તેને પીએમએલએની કલમ 45 હેઠળની જોગવાઈનો લાભ મળવો જોઈએ નહીં. આ જોગવાઈ જાહેર જીવનમાં અને રાજકારણીઓમાં રહેલી મહિલાઓને લાગુ પડતી નથી. EDના વકીલે દાવો કર્યો હતો કે કે. કવિતા દિલ્હી લિકર પોલિસી કેસમાં લાંચ તરીકે લેવામાં આવેલા નાણાંની મુખ્ય સંચાલકોમાંની એક હતી અને તેની લાભાર્થી પણ હતી. કે. કવિતા સામેના આરોપો માત્ર સાક્ષીઓ અને આરોપીઓના નિવેદનો પર આધારિત નથી પરંતુ દસ્તાવેજો અને વોટ્સએપ ચેટ પર પણ આધારિત છે. EDના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં આરોપીઓએ ઘણા ફોનનો નાશ કર્યો હતો અને ફોનનો ડેટા પણ ડિલીટ કરી દીધો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટને જણાવ્યું હતું કે તે દિલ્હી લિકર પોલિસી કેસની તપાસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવવાની અણી પર છે અને કે. કવિતાના જામીન આમાં અડચણ બની શકે છે.