ઉત્તર પ્રદેશના આ ગામમાં કોઈ છોકરી પરણવા તૈયાર નથી, કારણ પાણી કે વીજળી નહીં પણ…

લખનઉઃ ગુજરાત સહિત રાજ્યમાં એવા ઘણા ગામ છે જ્યાં આજે પણ પાણીની તીવ્ર સમસ્યા છે. જેને લીધે મહિલાઓને દિવસનો મોટા ભાગનો સમય માત્ર ઘર માટે પાણી ભરવામાં જ કાઢવો પડે છે અને પાણી અને વીજળીનો અભાવ હોય તો જીવન તમામ રીતે અઘરું બની જાય છે. ખેતીવાડી કે અન્ય રોજગારીમાં પણ સમસ્યા સર્જાઈ છે. ગુજરાતના ધંધુકામાં એક સમયે પાણીની એટલી સમસ્યા હતી કે કહેવાતું કે દીકરીને બંદૂકે દેવી, પણ ધંધુકે ન દેવી. આવા ગામડામાં યુવાનો રહેવા નથી માગતા અને જે રહે છે તેમને પરણવા યોગ્ય યુવતીઓ નથી મળતી.
પણ ઉત્તર પ્રદેશના એક ગામમાં સમસ્યા કંઈક અલગ છે. અહીંના સિવાઈ જિલ્લામાં વનવિસ્તારોમાં નાયગાંવ નામે એક ગામ છે. પેંચ વાઘ અભ્યારણ્યથી થોડે દૂર વન વિભાગમાં આ ગામ આવેલું છે. અહીં બીજી બધી સમસ્યા તો છે, પરંતુ મુખ્ય સમસ્યા છે મોબાઈલ નેટવર્ક. જી હા અહીં એક પણ કંપનીનું મોબાઈલ ટાવર નથી આથી અહીં નેટવર્ક મળતું નથી ને જો કોઈએ ફોન પર વાત કરવી હોય તો લગભગ 3 કિલોમીટર દૂર જવું પડે છે. હવે આજકાલ છોકરો હોય કે છોકરી મોબાઈલ વિના ચાલે તેમ નથી. માતા-પિતા પણ પોતાની દીકરીને આ ગામમાં મોકલવા નથી માગતા કારણ કે ત્યાં સંપર્ક કરવાનું જ અઘરું છે.
અહીં કોઈ સગર્ભા મહિલાને દવાખાને પહોંચવી હોય તો પણ તકલીફ પડે છે. આંગણવાડીની મહિલાઓ કે વિદ્યાર્થીઓ માટે પણ બહુ સમસ્યાઓ છે.
ગામમાં 30 કરતા વધારે ઉંમરના યુવાનો છે અને તેમના લગ્ન ન થતા હોવાથી તેઓ બહાર નીકળી કામ શોધે છે અથવા તો કોઈ નાની મોટી નોકરી કરે છે. અમુક મહારાષ્ટ્રમાં પણ આવ્યા છે.
આ પણ વાંચો…ઈચ્છાથી શારીરિક સંબંધો રાખતી ને પછી બળાત્કારનો આરોપ કરતી મહિલાઓને ટકોર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો
અહીંના સૂત્રોના જણાવ્યા અનુસાર બીએસએનએલ નજીકના અમુક ગામોમાં હવે કનેક્ટિવિટી માટે ટાવર ઊભા કરી રહી છે ત્યારે તેમને પણ આશા છે કે તેમના ગામમાં પણ મોબાઈલ નેટવર્ક આવે.
એકબાજુ આપણે મોબાઈલને લીધે પતિ-પત્ની વચ્ચે થતાં ઝગડા વિશે રોજ સાંભળીએ છીએ. ઘણા સંબંધોમાં મોબાઈલ વિલન બની રહ્યો છે ત્યારે અહીં લગ્ન ન થવાનું મોટું કારણ મોબાઈલ છે.