બોલો, દેશના અબજો રૂપિયા એમ જ પડ્યા છે બેંકમાં, નાણા પ્રધાને કહેવું પડ્યું કે…

એક તરફ પોતાના સંતાનને એક કપ દૂધ આપવા કે બે ટંકનુ ભોજન આપવા મા-બાપ રઝળપાટ કરતા હોય છે જ્યારે બીજી બાજુ દેશમાં લાખો કરોડોની સંપત્તિ એમ જ પડી છે અને તેનું કોઈ દાવેદાર નથી, તેવી માહિતી મળી છે.
શું છે તમારી મૂડી તમારો અધિકાર?
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્યું હતું કે બેંકો અને નિયામકો પાસે ₹1.84 લાખ કરોડની સંપત્તિ માટે કોઈ દાવેદાર નથી. તેમણે બેંકના અધિકારીઓને આ સંપત્તિ તેમના માલિક સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. સીતારમણે ગુજરાતના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ અને બેંકો અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ગાંધીનગરથી તમારી મૂડી, તમારા અધિકારો ઝુંબેશ શરૂ કરી, જેમાં ત્રણ મહિનામાં આ નાણા તેમના અસલી માલિક સુધી પહોંચે તેવું લક્ષ્ય રાખવામા આવ્યું છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાને જણાવ્યું હતું કે બેંક થાપણો, વીમા અથવા શેરના રૂપમાં ₹1.84 લાખ કરોડની નાણાકીય સંપત્તિ બેંકો અને નાણાકીય કંપનીઓ પાસે પડી છે, જેના પર દાવો કરવામાં આવ્યો નથી.
નાણા પ્રધાને અધિકારીઓને ત્રણ મહિનાની ઝુંબેશ દરમિયાન આ લોકો સુધી પહોંચી તેમને તેમની થાપણ પરત કરવા અધિકારીઓએ વિવિધ પાસાઓ તપાસી કામે લાગવા કહ્યું છે.
આવી થાપણે હાલમાં તો સરકાર પાસે સુરક્ષિત છે. યોગ્ય દસ્તાવેજો સાથે આવી દાવો કરનારાને તે આપવામાં આવશે, તેમ પણ નાણા પ્રધાને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે જો કોઈ કારણોસર કોઈ સંપત્તિ લાંબા સમય સુધી દાવા વગરની રહે તો એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં ટ્રાન્સફર થાય છે. જો ડિપોઝીટ્સ મૂકી હોય તો તે બેંકોમાંથી RBIમાં જાય છે, અને શેર અથવા સમાન સંપત્તિના કિસ્સામાં, તે SEBIમાંથી કોઈ અન્ય એજન્સી અથવા IEPF માં જાય છે. આ માટે RBI એ અનક્લેમ્ડ ડિપોઝિટ ગેટવે ટુ એક્સેસ ઇન્ફર્મેશન (UDGAM) પોર્ટલ બનાવ્યું છે.
દરમિયાન સીતારમણે ગુજરાત ગ્રામીણ બેંકની પણ પ્રશંસા કરી અને અધિકારીઓ રાજ્યના દરેક ગામની મુલાકાત લઈને બેંકમાં પડેલી આ પ્રકારની સંપત્તિના અસલી માલિકને શોધી લેશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.



