
ચંડીગઢ: તાજેતરમાં જ કેન્દ્ર સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં બંધારણનો ૧૩૧મો સુધારો વિધેયક રજૂ કરવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પગલાનો હેતુ કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢને બંધારણના અનુચ્છેદ ૨૪૦ હેઠળ લાવવાનો છે. લોકસભા સચિવાલયના બુલેટિન અનુસાર, આ સુધારો ચંડીગઢના વહીવટને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)ના સ્તર પર લાવવાનો લક્ષ્ય ધરાવે છે. જો કે તેના આકરા વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને સ્પષ્ટતા કરવી પડી હતી.
સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ માટે નવું બિલ લઈને આવી રહી છે તેવા અહેવાલો પર પંજાબ સરકાર સહિત અનેક વિરોધ પક્ષે વાંધો લીધો હતો. ત્યારે ગૃહ વિભાગે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકારનો આગામી સંસદના શિયાળુ સત્રમાં આ અંગે કોઈ પણ બિલ રજૂ કરવાનો કોઈ ઈરાદો નથી. આ પ્રસ્તાવ પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ગૃહ વિભાગે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ માટે ભારત સરકારની કાયદો બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટેનો પ્રસ્તાવ હજી પણ કેન્દ્ર સરકાર સમક્ષ વિચારણા હેઠળ છે. આ પ્રસ્તાવ પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પ્રસ્તાવ ચંદીગઢના વહીવટ કે વહીવટી માળખાને બદલવાનો કોઈ પણ રીતે ઈરાદો ધરાવતો નથી, કે તે ચંદીગઢ અને પંજાબ અથવા હરિયાણા રાજ્યો વચ્ચેની પરંપરાગત વ્યવસ્થાઓને બદલવાનો લક્ષ્ય પણ ધરાવતો નથી. ચંદીગઢના હિતોને ધ્યાનમાં રાખીને, તમામ હિતધારકો સાથે પૂરતા પરામર્શ પછી જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારનો આગામી સંસદના શિયાળુ સત્રમાં આ અંગે કોઈ પણ બિલ રજૂ કરવાનો કોઈ ઈરાદો નથી.”
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં બંધારણનો ૧૩૧મો સુધારો વિધેયક રજૂ કરવાની તૈયારી કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ પગલાનો હેતુ કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢને બંધારણના અનુચ્છેદ ૨૪૦ હેઠળ લાવવાનો છે. લોકસભા સચિવાલયના બુલેટિન અનુસાર, આ સુધારો ચંડીગઢના વહીવટને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)ના સ્તર પર લાવવાનો લક્ષ્ય ધરાવે છે. આ સુધારાને કારણે ચંડીગઢ, અંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ જેવા બિન-વિધાનસભા ધરાવતા અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો સમાન બની જશે.



