નીતીશકુમારને INDIA ગઠબંધનના સંયોજક બનાવાશે? મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે કરી ચર્ચા
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે INDIA ગઠબંધન સામે બેઠકોની વહેંચણી, કન્વીનર કોને બનાવવા, આંતરિક વિવાદોને કેવી રીતે સમાપ્ત કરવા સહિતના ઘણા પ્રશ્નો બાકી છે. આ દરમિયાન બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુ પ્રમુખ નીતીશકુમાર ફરી એકવાર સક્રિય થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નીતિશકુમારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરી છે. ઉપરાંત અન્ય પ્રાદેશિક નેતાઓ સાથે પણ તેમણે ફોન પર ચર્ચા કરી હતી.
હજુ ગઇકાલે 4 જાન્યુઆરીએ જ કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિએ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરવા અંગેની વાતો વિશેનો રિપોર્ટ તેને સોંપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે નીતીશકુમારે મહાગઠબંધન સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે નિવેદન આપ્યું છે કે તેમની પાર્ટી રાજ્યની 40 લોકસભા બેઠકોમાંથી 9થી 10 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે. એક મીડિયા સંસ્થા સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, “ગયા વખતે અમે 9 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા અને 1 બેઠક જીત્યા હતા.” લાલુ પ્રસાદ યાદવની RJDએ 18 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 1 પણ જીતી ન હતી. એટલે તેનો અર્થ એ થાય છે કે તેમની પાસે જનાધાર નથી.
INDIA ગઠબંધનની છેલ્લી બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી ચીફ મમતા બેનર્જીએ પીએમ પદના ચહેરા તરીકે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ આપ્યું હતું. જેને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ સમર્થન આપ્યું હતું.
તેને પગલે નીતીશકુમાર નારાજ થયા હોવાની અટકળો વહેતી થઇ હતી. જોકે, નીતિશ કુમારે આ અટકળોને નકારી કાઢી હતી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે નીતિશકુમારને INDIA ગઠબંધનના સંયોજક બનાવવામાં આવી શકે છે. મહાગઠબંધનમાં સામેલ મોટા ભાગના પક્ષો આ અંગે સહમત છે, પરંતુ મમતા બેનર્જીએ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી.
તાજેતરમાં જ બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે પણ કહ્યું હતું કે નીતિશકુમાર અનુભવી નેતા છે. જો તેમને INDIA ગઠબંધનના સંયોજક બનાવવાનો પ્રસ્તાવ આવે તો તે ઘણું સારું રહેશે.