INDIA Alliance: બંગાળમાં ગઠબંધન નાકામ થવા માટેનું કારણ અધીર રંજન ચૌધરી, ડેરેક ઓ’બ્રાયનનું નિવેદન
કોલકાતા: લોકસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલા જ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (INDIA)માં મતભેદો સ્પષ્ટ થઇ ગયા છે. ગઈકાલે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કોંગ્રેસ સાથે સીટ શેર કરવાની સંભાવના પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયને આજે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન ન થવા માટે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના વડા અધીર રંજન ચૌધરીને જવાબદાર ઠેરવ્યા હતા.
TMC સુપ્રીમો મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી લોકસભાની ચૂંટણી રાજ્યમાં સ્વતંત્ર રીતે લડશે. ડેરેક ઓ’બ્રાયને આજે કહ્યું કે “બંગાળમાં ગઠબંધન કામ ન કરવા માટેના ત્રણ કારણો જવાબદાર છે અધીર રંજન ચૌધરી, અધીર રંજન ચૌધરી અને અધીર રંજન ચૌધરી.”
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (INDIA)ના ઘણા વિરોધીઓ છે, પરંતુ માત્ર બે ભાજપ અને ચૌધરી વારંવાર ગઠબંધનની વિરુદ્ધ બોલ્યા છે. ટીએમસી નેતાએ વધુમાં આરોપ લગાવ્યો કે ચૌધરી ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે “અવાજ તેમનો છે, પરંતુ શબ્દો દિલ્હીમાં બેઠેલી જોડી દ્વારા કહેવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી અધીર ચૌધરીએ ભાજપની ભાષા બોલી રહ્યા છે. તેમણે એક વખત પણ બંગાળને કેન્દ્રીય ભંડોળથી વંચિત રાખવાનો મુદ્દો ઉઠાવ્યો નથી.”
શું TMC ગઠબંધનનો ભાગ રહેશ કે નહીં એ અંગે ઓ’બ્રાયને કહ્યું, “ચૂંટણી પછી, જો કોંગ્રેસ તેનું કામ કરે છે અને નોંધપાત્ર સંખ્યામાં બેઠકો પર ભાજપને હરાવે છે, તો તૃણમૂલ કોંગ્રેસને સાથ આપી શકે છે.”
અધીર રંજન ચૌધરીના મમતા બેનર્જી વિરુદ્ધ વારંવારના હુમલાઓથી તૃણમૂલ કોંગ્રેસ નારાજ હતી. ચૌધરીએ તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનને “તકવાદી” કહ્યા હતા.