પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મંગળવારે વિધાનસભામાં મર્યાદાની તમામ હદો વટાવી દીધી હતી અને એવું નિવેદન આપ્યું જેણે સમગ્ર રાજ્યને શરમમાં મૂકી દીધું હતું. તેમણે જે પ્રકારે અશ્લીલ નિવેદન આપ્યું છે એનાથી લોકો ખૂબ જ નારાજ છે અને સોશિયલ મીડિયા પર લોકો નીતીશના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા છે. આખો દેશ નીતીશ કુમારના નિવેદનને શરમજનક ગણાવી રહ્યો છે, પરંતુ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ તેમનો બચાવ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે નીતીશ વિધાનસભામાં ‘આઉટ ઓફ કંટ્રોલ’ની નહીં પરંતુ ‘જનસંખ્યા નિયંત્રણ’ની વાત કરી રહ્યા હતા.
નીતીશ કુમાર વિધાનસભામાં જાતિ સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કરીને ચર્ચા દરમિયાન પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. એક અહેવાલને ટાંકીને તેમણે કહ્યું હતું કે રાજ્યમાં મહિલાઓની સાક્ષરતા દરમાં વધારો થયો છે. એકવાર તેઓ શિક્ષિત થઈ જશે, તો પછી વસતી નિયંત્રણમાં આવી જશે. પુરુષ લગ્ન પછી દરરોજ… (શારીરિક સંબંધો) ઈચ્છે છે. મહિલા શિક્ષીત હોય તો શારીરિક સંબંધો સાથે પણ સંતતિ નિયમન કેવી રીતે કરાય તે મહિલા જાણતી હોય છે. નીતીશ કુમારનું જનસંખ્યા નિયંત્રણ વિશેનું ભાષણ યોગ્ય હોવા છતાં પણ તેમણે વાપરેલી ભાષા અને તેમણે દર્શાવેલા હાવભાવને કારણે મોટો હોબાળો મચી ગયો હતો. મહિલા સાંસદો ઘણાજ નારાજ જોવા મળ્યા હતા.
નીતીશ કુમારે પોતાના નિવેદનથી બિહારને શરમમાં મુકી દીધું હતું, પરંતુ વિધાનસભામાં તેમની પાછળ બેઠેલા ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ હસી રહ્યા હતા. જ્યારે તેમને આ મામલે તેમની પ્રતિક્રિયા આપવા માટે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે નીતીશ કુમાર સેક્સ એજ્યુકેશનની વાત કરી રહ્યા હતા.
નીતીશ કુમારના આ નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે નીતીશ કુમાર આ બધું કહી રહ્યા હતા ત્યારે તેમની પાછળ બેઠેલા વિધાન સભ્યો હસી રહ્યા હતા. જો કે, વિપક્ષે આ નિવેદન સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે.
નીતીશના નિવેદન પર બીજેપી નેતા તારકિશોર પ્રસાદે કહ્યું હતું કે જો સીએમને સેક્સ એજ્યુકેશનની વાત કહેવી હોત તો તેઓ વધુ સારી રીતે કહી શક્યા હોત. તેમણે જે કહ્યું તે અત્યંત નિંદનીય છે. નીતીશ કુમારના આ નિવેદનનો સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ થઈ રહ્યો છે. બીજેપી નેતા અશ્વિની ચૌબેએ કહ્યું હતું કે નીતીશને સીએમ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે બિહારનું માથું શરમથી ઝુકાવી દીધું છે.