
પટના: બિહારના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આજે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ આજે સાંજે ફરીથી મુખ્ય પ્રધાન તરીકે શપથ લઇ નવી સરકાર બનાવી શકે છે. નીતિશ કુમારે ભાજપની આગેવાની હેઠળના NDA જૂથમાં જોડાવાનો નિર્ણય લઇ લીધો છે. પરંતુ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવનું કહેવું છે કે ખેલ હજુ બાકી છે. સૂત્રએ જણાવ્યું કે રાજ્યપાલ સચિવાલય સહિતની ઓફિસોને રવિવારે ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અહેવાલો મુજબ નીતીશ કુમાર આજે રવિવારે સવારે 10 વાગે JDU વિધાનસભ્યો સાથે બેઠક કરી શકે છે. આ પછી તેઓ રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી શકે છે અને સાંજ સુધીમાં બિહારમાં બીજેપીના સમર્થનથી નવી સરકાર બની શકે છે. નીતિશની સાથે ભાજપના બે નાયબ મુખ્ય પ્રધાન પણ શપથ લઈ શકે છે. વિધાનસભા અધ્યક્ષનું પદ પણ ભાજપના ક્વોટા હેઠળ આવી શકે છે.
રાજ્ય ભાજપની બેઠક પણ સવારે 9 વાગે મળશે. ભાજપે નીતિશને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તેની જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ નીતીશ કુમારે મૌન જાળવી રાખ્યું છે. શનિવારે સવારે પટનામાં વેટરનરી કોલેજ મેદાનમાં નવા ફાયર બ્રિગેડ એન્જિનને ફ્લેગ ઓફ કરવા ઉપરાંત, તેમણે બક્સર જિલ્લાના એક પ્રખ્યાત મંદિરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબે પણ હાજર જોવા મળ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ હેઠળના પ્રવાસન વિભાગનો પ્રોજેક્ટ છે, પરંતુ તેઓ આ કાર્યમાં ગેરહાજર હતા.
અહેવાલો મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજરી આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે જવાના હતા, જે રદ કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહમાં બીજેપીના બીજા ઘણા નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.
બદલાતા રાજકીય ઘટનાક્રમો વચ્ચે RJD પણ સક્રિય થઈ ગઈ છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે હિન્દુસ્તાન અવામ મોરચાના પ્રમુખ જીતન રામ માઝીને પોતાના તરફ લેવા પ્રયાસ કર્યો છે. વિધાનસભ્યો સાથેની મુલાકાત બાદ તમામને પટનામાં જ રહેવા અને ફોન ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે.