નીતિશના સત્તા સમીકરણમાં ઓવૈસીનો ટ્વિસ્ટ: ‘સમર્થન આપીશ, પણ એક શરત…’, જુઓ વીડિયો

પટનાઃ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમે નીતિશ કુમારની સરકારને સમર્થન આપવા તૈયાર છીએ, પણ અમારી એક શરત છે. સીમાંચલને તેનો હક મળો જોઈએ. આમૌરમાં એક જનસભાને સંબોધતાં તેમણે કહ્યું કે, સીમાંચલની દાયકાઓથી ઉપેક્ષા થઈ રહી છે, હવે સ્થિતિ સુધરવી જોઈએ.
શું બોલ્યા ઓવૈસી
ઓવૈસીએ કહ્યું, અમે નીતિશ કુમારની સરકારને સપોર્ટ આપવા તૈયારી છીએ પણ સીમાંચલને ન્યાય મળવો જોઈએ. વિકાસ માત્ર પટના પૂરતો મર્યાદીત ન રહેવો જોઈએ. સીમાંચલની આજે પણ ઉપેક્ષા થઈ રહી છે. સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ.
આ પણ વાંચો : બિહારમાં 5 બેઠકો જીતીને ઓવૈસીનો હુંકાર: “ભાજપને રોકવાની જવાબદારી માત્ર મુસ્લિમો જ કેમ ઉઠાવે?”
ઓવૈસીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતાના ચૂંટાયેલા ધારાસભ્યોના કામો પર સંપૂર્ણ નજર રાખશે. તેમણે કહ્યું કે, અમારા પાંચેય ધારાસભ્યો અઠવાડિયામાં બે દિવસ પોતાની ઓફિસમાં બેસશે. સાથે જ પોતાની લાઈવ લોકેશન પણ મારી સાથે શેર કરશે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે તેઓ દર 6 મહિને આ વિસ્તારોનો પ્રવાસ કરશે.
AIMIMના ધારાસભ્યો RJDમાં જોડાયા હતા
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સીમાંચલ વિસ્તારમાં એનડીએએ 14 બેઠકો જીતી છે. આ વખતે ઓવૈસીએ આ વિસ્તારોમાં 5 બેઠકો જીતી છે. વર્ષ 2020માં પણ તેમની પાર્ટીએ અહીં 5 બેઠકો જીતી હતી, પરંતુ તે વખતે 4 ધારાસભ્યો RJDમાં જોડાઈ ગયા હતા.
આ પણ વાંચો : હૈદરાબાદમાં AIMIM સમર્થિત ડ્રગ ગૅન્ગ હિંદુ સગીરાઓને નિશાન બનાવી રહી છે; કેન્દ્રીય પ્રધાનના આરોપ
સીમાંચલની પાંચ બેઠકો પર ઓવૈસીનો કબજો
આ વખતના ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે સીમાંચલના આ વિસ્તારો તેમની પાર્ટી પર કેટલો વિશ્વાસ કરે છે. તેમની પાર્ટીએ અહીં પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારોને જીતાડ્યા છે. આ વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી નોંધપાત્ર છે. આ વિસ્તારોમાંથી કોસી નદી પણ વહે છે. કોસીનું પૂર જ આ વિસ્તારોને પ્રભાવિત કરે છે. આ વિસ્તારો ગ્રામીણ વસ્તીથી ઘેરાયેલા છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ પ્રચંડ બહુમતી સાથે જીત હાંસલ કરી હતી. જ્યારે મહાગઠબંધનને ધારણા કરતાં ઘણી ઓછી બેઠકો પર જીત મળી છે. નીતીશ કુમારે 10મી વખત રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.



