મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ માટે નિતીશ કુમારને ઓફર? BJP-JDU વચ્ચે સમાધાનની ચર્ચા…
પટના: લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ બિહામાં મોટી રમત રમવાની તૈયારીમાં છે. જો ભાજપની આ રમત સફળ થાય તો મુખ્ય પ્રધાન નિતીશ કુમાર ફરી એકવાર એનડીએમાં સામેલ થઇ શકે છે. જોકે આમ કરવા માટે નિતીશ કુમારને ભાજપની ઓફરનો સ્વિકાર કરવો પડશે.
રાજકીય વિદ્વાનોનું કહેવું છે કે, 2024ના પરિણામો ભાજપની તરફેણમાં જાય તો નવી સરકાર બનાવતી વખતે જેડીયુને મહત્વ અપાશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. એટલે કે જેડીયુના કોટામાંથી 3 કેન્દ્રિય પ્રધાન તથા 1 રાજ્ય પ્રધાન બનાવવામાં આવે તેવી શક્યાતાઓ છે.
આ માટે શરત માત્ર એટલી છે કે બિહારમાં યોજાનાર મુખ્ય પ્રધાનની ચૂંટણીમાં ભાજપ મુખ્ય પ્રધાનનો ઉમેદવાર આપે. રાજ્યમાં એનડીએની સરકાર આવે તો જેડીયુના કોટામાંથી નાયબ મુખ્ય પ્રધાન તથા અન્ય પ્રધાન બનાવવાની શક્યતાઓ રહેલી છે. એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.
જોકે આ અંગે હજી સુધી કોઇ અંતિમ નિર્ણય આવ્યો નથી. જેડીયુના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અહીં કોઇ કોઇના કાયમી દુશ્મન હોતા નથી. ભવિષ્ય અને રાજ્યનો વિકાસ જોઇને સરકાર સ્થાપવામાં આવે છે. આ બાબતે પક્ષ અંતિમ નિર્ણય લેશે. જો પક્ષમાં બધા જ એકમત હશે તો આવનારી વિધાનસભા ભાજપ સાથે મળીને લડીશું. આ અંગે પક્ષના વડાના આદેશ અને માર્ગદર્શન અનુસાર આગળની રણનિતી પર કામ થશે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપે નિતીશ કુમારને અગાઉ પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ માટેની ઓફર આપી હતી. જોકે તે વખતે નિતીશ કુમાર રાષ્ટ્રપતિ અથવા તો ઉપરાષ્ટ્રપતિ પદ માટે જીદ પકડીને બેઠા હતાં. જોકે જે તે વખતે આ ચર્ચાઓ સફળ થઇ શકી નહતી. આગામી લોકસબા તથા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ તથા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મારફતે નિતીશ કુમાર સાથે ચર્ચા ચાલી રહી છે એમ કહેવાઇ રહ્યું છે. નિતીશ કુમારે હાલમાં જ રાજભવનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 16મી સપ્ટેમ્બરના રોજ બિહારના ઝંઝારપૂર લોકસભા મતદારસંઘની એક જાહેર સભામાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે રાજદ ના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ તથા ઇન્ડિયા ગઠબંધન પર ટિકા કરી હતી. જોકે પોતાના ભાષણમાં અમિત શાહ નિતિશ કુમારને માત્ર સલાહ આપતા દેખાયા હતાં. તેમણે નિતીશ કુમાર પર કોઇ પણ ગંભીર આક્ષેપો કર્યા નહતાં. નિતીશ કુમાર માટે ભાજપના દરવાજા બંધ છે એમ કહ્યું નથી, ફક્ત 2024માં વડા પ્રધાન પદ ખાલી નથી એમ કહેવામાં આવ્યું હતું.