વિશ્વાસ મત જીતવા છતાં નીતિશ-ભાજપમાં આ કારણોથી ડર, લોકસભા પહેલા હેમખેમ રહેશે સત્તા?

બિહારમાં નીતિશકુમાર માટે પક્ષપલટો હંમેશા સફળ અને ફાયદાકારય રહ્યો છે, પરંતુ આ વખતે આ પક્ષપલટો તેમને ભારે પડી ગયો હોય તેવું ફ્લોર ટેસ્ટ દરમિયાન જોવા મળ્યું. નીતિશકુમારને વિશ્વાસ મત તો મળી ગયા, ખુરશી બચી ગઇ પરંતુ તેમના હાવભાવ પરથી સ્પષ્ટ જણાઇ આવતું હતું કે હજુપણ કંઇક એવું છે જે તેમને સતત ચિંતા કરાવી રહ્યું છે.
અમુક મીડિયા અહેવાલોનું સાચું માનીએ તો ભાજપ અને નીતિશકુમારની પાર્ટી JDUના ધારાસભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે કે જો તમે કોઇ પક્ષના ધારાસભ્ય હોવ અને તમારો જ પક્ષ રાજ્ય અને કેન્દ્રમાં સત્તાસ્થાને હોય, તો તમને કઇ વાતનો અસંતોષ હોય? પરંતુ બિહારમાં સત્તારૂઢ પક્ષના એવા પણ ધારાસભ્યો છે જેમને વિપક્ષમાં તેમનું ભાવિ વધુ ઉજ્જવળ બને તેમ લાગી રહ્યું છે. બિહારના પોલીસ સ્ટેશનોમાં JDUના ધારાસભ્યોએ અપહરણની ફરિયાદ નોંધાવી છે. અમુક JDU ધારાસભ્યો કહી રહ્યા છે કે તેમને કરોડો રૂપિયામાં તોડવાની વાતો ચાલી રહી છે. વિશ્વાસ પ્રસ્તાવના દિવસે ઘણા એવા ધારાસભ્યો હતા કે જેમને વિશ્વાસ મતથી અળગા રહેવાની આશંકાને પગલે પોલીસે ડિટેઇન કર્યા હતા.
બીજી બાજુ ભાજપમાં પણ સમ્રાટ ચૌધરીને ડેપ્યુટી સીએમનું પદ આપી દેવાતા વરિષ્ઠ નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. નીતિશકુમારના NDA પ્રવેશ અંગે પણ ઘણા ભાજપ નેતાઓમાં અસંમતિ હતી. ઘણા ભાજપના ધારાસભ્યોને પણ વિશ્વાસ મતમાં ભાગ લેવો નહોતો જો કે પોલીસની મદદ લઇને પાર્ટીનું નાક બચાવવા તેમને વિધાનસભામાં લાવવા પડ્યા.
આખી વાતનો ટૂંકસાર કહીએ તો નીતિશ-ભાજપ વિશ્વાસ મત જીતી ગયા બાદ પણ કોંગ્રેસ અને RJDના મોરચે પરમ શાંતિ જોવા મળી રહી છે, એટલે ક્યાંકને ક્યાંક લોકસભા ચૂંટણી પહેલા ધાંધલ-ધમાલ થવાની હજુ પણ શક્યતાઓ ખરી. વિશ્વાસ મતમાં ભાજપ-JDUના વિરોધમાં એક પણ મત પડ્યો નહોતો, એનો અર્થ એ થયો કે RJD નેતાઓએ પણ આ ગઠબંધનને મત આપવો પડ્યો, તેમણે કઇ મજબૂરીમાં આ કર્યું હશે તેની લાલુને જાણ હોય જ. જો કે અન્ય પક્ષને મત આપવા છતાં તેઓ RJD સાથે જોડાયેલા રહ્યા છે જે પક્ષની મજબૂતી દર્શાવે છે. આ ઉપરાંત વિધાનસભામાં ભાષણોમાં પણ તેજસ્વી ફૂલ કોન્ફિડન્સમાં હતા જ્યારે નીતિશકુમાર હજુ પણ કોઇ અવઢવમાં હોય તેવું તેમના હાવભાવ પરથી દેખાતું હતું. જે પ્રકારનો ઉત્સાહ હોવો જોઇએ, જે પ્રકારનો આનંદ હોવો જોઇએ તેમના ચહેરા પર, તે હતો નહિ.
ખરેખર તો સ્થિતિ એવી સર્જાવી જોઇએ કે કોંગ્રેસના અથવા RJDના ધારાસભ્યો તૂટે, પરંતુ થયું એનાથી ઉલ્ટું. ભાજપ જેવી અનુશાસન ધરાવતી પાર્ટીના ધારાસભ્યો વિધાનસભામાં મોડા પહોંચે, પક્ષને સાથ આપવામાં રસ ન બતાવે, તેમને લાવવા માટે બળપ્રયોગ કરવો પડે એ દર્શાવે છે કે બિહારમાં ભાજપ અને નીતિશકુમાર માટે ‘સબ સહીસલામત’ નથી.