નીતીશ કુમારે ચાલ્યો મોટો દાવ, ઇન્ડિયા ગઠબંધન પર સંકટના વાદળ
પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ યુનાઇટેડના પ્રમુખ નીતીશ કુમારે એક અઠવાડિયાની અંદર બીજી વાર એવો સંકેત આપ્યો છે , જેના કારણે કૉંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. નીતીશ કુમારના પક્ષે અરૂણાચલની એક લોકસભાની બેઠક પરથી તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ એકપક્ષીય નિર્ણયથી કૉંગ્રેસ પણ ચકિત થઇ ગઇ છે અને ઇન્ડિયા ગઠબંધનમાં પણ ખળભળાટ મચી ગયો છે. મોટી વાત એ છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં આ સીટ પર કૉંગ્રેસના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા. જેડીયુએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીના અરૂણાચલ એકમના પ્રમુખ રૂહી તાગુંગ અરૂણાચલ પશ્ચિમ બેઠક પરથી આગામી લોકસભાની ચૂંટણી લડશે.
ઇન્ડિયા ગઠબંધનમાં ઘટક પક્ષો વચ્ચે સીટોની વહેચણી થઇ નથી, ત્યારે નીતીશ કુમારે ભરેલા આ પગલાને પ્રેશર પોલિટિક્સ માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે અરૂણાચલમાં લોકસભાની બે જ બેઠક છે અને સૌથી જૂની પાર્ટી હોવાને નાતે કૉંગ્રેસ બંને મતવિસ્તારોમાં મજબૂત સમર્થન ધરાવે છે. કૉંગ્રેસ પણ આ બંને બેઠક પર પોતાનો ઉમેદવાર ઊભો કરવાની તૈયારી કરી રહી હતી. હવે JDUનું આ પગલું કોંગ્રેસની ચિંતા વધારી શકે છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે વિપક્ષોએ ઇન્ડિયા ગઠબંધન કર્યું તો છે, પરંતુ આગળનો રસ્તો ઘણો મુશ્કેલ લાગે છે. ઇન્ડિયા અલાયન્સના 28 પક્ષો વચ્ચે લોકસભાની ચૂંટણી માટેની સીટોની વહેંચણી હજી સુધી થઇ નથી. દરેક પ્રાદેશ્ક પક્ષની પોતાની મહત્વાકાંક્ષા છે અને દરેક જણ પોતાના રાજ્યમાં સીટ વહેચણીમાં મહત્તમ સીટો માગી શકે છે. આ મુદ્દે દરેક રાજ્યમાં સીટ વહેંચણીની સમસ્યા અટવાયેલી છે.
જ્યારે એવા સમાચાર આવ્યા હતા કે નીતીશ કુમાર ઇન્ડિયા અલાયન્સની બેઠકમાં નારાજ હતા, ત્યારે કૉંગ્રેસે તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગઠબંધનના પીએમ પદના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ સામે આવ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા હતા. હવે તેમને ઇન્ડિયા અલાયન્સના કન્વીનર બનાવવાની ચર્ચા ચાલી રહી છે.
ગયા અઠવાડિયે નીતીશે લલન સિંહને પક્ષના અધ્યક્ષ પદેથી હટાવીને પાર્ટીની કમાન સંભાળી હતી. એ સમયે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે લલન સિંહ ગાદી છોડશે, પછી નીતીશ કુમાર એનડીએ સાથે જશે. આમાંથી એક સમાચાર તો સાજા પડ્યા છે. હવે જોઇએ બીજા સમાચાર ક્યારે સાચા પડશે, પણ એક વાત તો છે કે અટકળોની બજાર ધમધમી રહી છે.