પટનાઃ બિહારમાં દારૂબંધીના મુદ્દાને લઈને ફરી એકવાર ચર્ચા છેડાઈ ગઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે દારૂબંધી પર નવા સર્વેનો આદેશ આપ્યો છે. વ્યસન મુક્તિ દિવસ પર આયોજિત એક સરકારી કાર્યક્રમ દરમિયાન, નીતીશે દારૂબંધીને લઈને અનેક ટિપ્પણી કરી હતી. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ડ્રગ્સ સામે લડવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
70 વર્ષીય નીતીશ કુમાર સૌથી વધુ સમય સુધી બિહારના મુખ્ય પ્રધાનપદે રહ્યા છે. પોતાના શરૂઆતના અનુભવોને યાદ કરતા તેઓ શા માટે દારૂને આટલી બધી નફરત કરે છે એ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું ત્યાં લોકો ખરાબ સંગતથી દૂર હતા, પણ જ્યારે હું એન્જિનિયરિંગની ડિગ્રી લેવા પટના આવ્યો ત્યારે હું ભાડાના મકાનમાં રહેતો હતો. ત્યાં આજુબાજુના કેટલાક લોકો દારૂ પીને પરેશાન કરતા હતા.
નીતીશે તેમના ગુરુ કર્પૂરી ઠાકુરના શાસન દરમિયાન રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘1970ના દાયકામાં તેઓ જનતા પાર્ટીના નેતા તરીકે મુખ્ય પ્રધાન બન્યા, પરંતુ સરકાર બે વર્ષથી વધુ ટકી શકી નહીં અને ત્યારપછીના શાસને દારૂ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો. ઘણા શક્તિશાળી લોકોના ભારે વિરોધ છતાં બિહાર સરકારે એપ્રિલ 2016માં દારૂબંધીનું પગલું ભર્યું હતું.
સાલ 2018માં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં દારૂબંધીના સકારાત્મક પરિણામ જાણવા મળ્યા. સર્વે અનુસાર દારૂબંધીને કારણે સરકારને થયેલા આર્થિક નુક્સાનની ભરપાઇ લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા અને બાળકો માટે વધુ સારું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે બચાવવામાં આવેલા નાણા કરતા પણ વધુ હતી. નીતીશ કુમારે એમ પણ જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાના અભ્યાસોએ જીવલેણ માર્ગ અકસ્માતો સહિત દારૂના સેવનની હાનિકારક અસરોને પ્રકાશિત કરી છે.
નીતીશ કુમારે વધુમાં કહ્યું હતું કે, ‘હું લોકોને એક નવા સર્વે પર વિચાર કરવા વિનંતી કરીશ, જે દારૂબંધીની અસરનો નવો અંદાજ આપશે. તારણોના આધારે અમે નવા પગલાં રજૂ કરીશું. જોકે, તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જ્યાં સુધી તેઓ બિહારમાં ચાર્જમાં છે ત્યાં સુધી દારૂ પર પ્રતિબંધ અમલમાં રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને