સીદીસૈયદની જાળી સાથે ગુજરાતને કોઈ લેવાદેવા નથી; નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદન

મહેસાણા: પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેમના નિવેદનોને લઈને સતત ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. ત્યારે તેમણે કડી ખાતે આયોજિત ચુંવાળ બોતેર કડવા પાટીદાર સમાજના સમુહલગ્નમાં એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે સીદી સૈયદની જાળીનો ગુજરાત સાથે કોઈ સંબંધ નથી. જો કે આ મામલે હવે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે.
શું બોલ્યા નીતિન પટેલ?
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કડી ખાતે આયોજિત ચુંવાળ બોતેર કડવા પાટીદાર સમાજના સમુહલગ્નમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું અગાઉની કોંગ્રેસ સરકાર મહેમાનોને સીદી સૈયદની જાળી ભેટમાં આપતી હતી, જેનો ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ સંબંધ નથી. તેમણે આગળ કહ્યું કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ભેટમાં આપવામાં આવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા શોભા માટે નથી….
આગળ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની ભેટ આપવાનું કારણ કહ્યું તું કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય એકતા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે આ વિચાર રજૂ કર્યો હતો અને આજે આ પ્રતિમા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમણે કહ્યું, “સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા માત્ર શોભા માટે નથી, પરંતુ તેમાંથી સમાજની એકતા, સંગઠન અને વિકાસની પ્રેરણા મળે છે.
Also read: નીતિન પટેલ સહિતના ભાજપના નેતાઓએ બાઝી સંભાળીઃ મહેસાણા બેંકની ચૂંટણી સમરસ
ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવા દેવા નથી
કોંગ્રેસ પર કટાક્ષ કરતાં નીતિન પટેલે કહ્યું કે, અગાઉની કોંગ્રેસ સરકાર મહેમાનોને સીદી સૈયદની જાળીની પ્રતિમા ભેટ આપતી હતી. આખા ગુજરાતને તેની સાથે કોઈ લેવા દેવા નથી, ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવા દેવા નથી. આપણા સનાતન ધર્મને તેની સાથે કોઈ લેવા દેવા નહી.