
નવી દિલ્હીઃ દેશમાં વધતી સડક દુર્ઘટના અને સ્લીપર બસ બનાવવામાં આવતી બેદરકારીના કારણે બની ઘટના રોકવા કેન્દ્રીય માર્ગ, પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કેટલાક કેસની તપાસ સીબીઆઈ કરશે. પ્રાઈવેટ બસ બોડી બિલ્ડર્સ દ્વારા સ્લીપર બસ બનાવતી વખતે દાખવવામાં આવતી બેદરકારી, સુરક્ષા માપદંડ પૂરા ન કરવા છતાં ફિટનેસ સર્ટિફિકેટ આપવું તથા અન્ય પ્રકારના કૌભાંડની આશંકાને જોતા કેટલાક કેસની તપાસ સીબીઆઈને કરવા ભલામણ કરવામાં આવશે.
3 મહિનામાં 140 લોકોના મોત
તેમણે કહ્યું કે, અમારા ઘણા પ્રયત્ન પછી પણ માર્ગ અકસ્માતમાં ઘટાડો થવાના બદલે વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં રાજસ્થાન સહિત અન્ય રાજયોમાં સ્લીપર બસમાં આગ લાગવાની પાંચથી છ ઘટના સામે આવી છે. જેમાં 140થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અમે કોઈપણ પ્રકારની માફી કે અવગણના કરવાના મૂડમાં નથી. આ બાબતો પર અંકુશ લાવવો જરૂરી છે.
જવાબદાર અધિકારીઓને પણ નહીં છોડવામાં આવે

આ મામલે મંત્રાલય દ્વારા રાજસ્થાન સરકારને પત્ર લખીને પૂછવામાં આવ્યું છે કે આવી દુર્ઘટનાઓ માટે કોણ જવાબદાર છે, કયા પ્રકારની બેદરકારી દાખવવામાં આવી હતી. અમે જવાબદાર અધિકારીઓને પણ છોડીશું નહીં. આ ઉપરાંત જ્યારે પણ આવા કેસ સામે આવશે ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચો…54 દિવસમાં બસમાં આગ લાગવાથી 35 લોકોએ જીવ ગુમાવ્યા, જાણો બસ અકસ્માત પછી આગ લાગવાના મુખ્ય કારણો?
ફોર વ્હીલમાં લગાવાશે આ ફીચર
આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કહ્યું કે, વાહનોની પરસ્પર ટક્કર થતી રોકવા માટે વી2વી (વ્હીકલ ટુ વ્હીકલ) સિક્યોરિટી ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ટેકનિકથી કારોની સ્પીડ, અચાનક બ્રેક લગાવવી, ગાડી ઉભી રાખવી અને લોકેશન આપવું જેવી રિયલ ટાઈમ જાણકારી શેર થશે. જેનાથી ટક્કરથી બચી શકાશે. આ ફીચર અમેરિકા, યુરોપ, જાપાન અને ચીન જેવા દેશોમાં નવી કારોમાં લગાવવા માટે ટ્રાયલ ચાલી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે, આ સિસ્ટમ અંતર્ગત ટેલીકોમ મંત્રાલય ફ્રીમાં સ્પેક્ટ્રમ આપશે. આ વર્ષના અંત સુધી આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ સિસ્ટમ ન માત્ર કાર પરંતુ બસ, ટ્રકમાં પણ લગાવાશે. વાહન નિર્માતા કંપનીઓને કાર અને અન્ય વાહનના નિર્માણ વખતે જ ચાર થી છ હજાર રૂપિયાની આ સિસ્ટમવાળા ઓબીયુને લગાવવાનો આદેશ અપાશે.



