ગૌતમ સિંઘાનિયાની પત્નીને આ રીતે અંબાણીએ કરી હતી મદદ, ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારા ખુલાસા
ગૌતમ સિંઘાનિયા તેમના પત્ની નવાઝ મોદીથી લગ્નજીવનના 32 વર્ષ બાદ છૂટાછેડા લઈ રહ્યા છે. નવાઝ મોદીએ છૂટાછેડાના વળતર રૂપે ગૌતમની 11 હજાર કરોડની નેટવર્થમાંથી 75 ટકા ભાગ માંગ્યો છે. આ ઉપરાંત ગૌતમ સિંઘાનિયા તેમના પત્ની નવાઝ મોદી તથા તેમની દીકરીઓ પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હોવાનો પણ આક્ષેપ નવાઝે કર્યો હતો.
હવે આ સમગ્ર મામલે એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં નવાઝે ચોંકાવનારા દાવા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે ગૌતમ અને તેની વચ્ચેના વિવાદ દરમિયાન અંબાણી પરિવાર તેમની વ્હારે આવ્યું હતું.
નવાઝે આક્ષેપ કર્યો હતો કે 10 સપ્ટેમ્બરના રોજ મુંબઇ સ્થિત આવાસ પર જન્મદિવસની પાર્ટી દરમિયાન સિંઘાનિયાએ તેની તથા તેની પુત્રી સાથે મારપીટ કરી હતી. એ પછી તેણે અને પુત્રી નિહારિકાએ પોલીસની મદદ માગવાના પ્રયત્નો કર્યા હતા. જો કે પોલીસ તેમની મદદ નહિ કરે તેવા ડરને પગલે નિહારિકાએ તેની મિત્ર અનન્યા ગોયનકાને ફોન કર્યો હતો.
નિહારિકાએ તેના મિત્ર વિશ્વરૂપને બોલાવ્યો હતો જે સિંઘાનિયાના પિતરાઇ ભાઇ ત્રિશાકર બજાજનો પુત્ર છે. નવાઝ મોદીએ કહ્યું હતું કે ભગવાનનો આભાર કે અનંત અંબાણી અને નીતા અંબાણી સહિત આખું અંબાણી પરિવાર અમારી મદદે આવ્યું. ગૌતમ સિંઘાનિયાએ પોલીસને આવતા રોકી હતી પરંતુ અંબાણી પરિવારે આગળની કાર્યવાહીમાં અમારી ઘણી મદદ કરી હતી. જો કે અંબાણી પરિવારે આ મુદ્દે હજુસુધી કોઇ નિવેદન આપ્યું નથી.
બીજી તરફ ગૌતમ સિંઘાનિયાએ પત્નીના આરોપો સામે ચૂપકીદી સાધી લીધી છે અને સમગ્ર મામલે કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો છે. તેમણે દિવાળીમાં તેમના સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ મુકીને છૂટાછેડાની જાહેરાત કરી હતી, જેમાં પોતે 32 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લઇ રહ્યા હોવાનું તથા પુત્રીઓના હિતમાં પ્રાઇવસીનું સન્માન જળવાય તેવો અનુરોધ કર્યો હતો.