પેરિસ ઓલિમ્પિક્સમાં ભાંગડા કરી નીતા અંબાણીએ જમાવી દીધો રંગ
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની શરૂઆત શાનદાર રહી છે. ભારતે એક મેડલ જીતીને મેડલ ટેલીમાં નામ પણ નોંધાવી દીધું છે. આ મેગા ઇવેન્ટ 26મી જુલાઈના રોજ ભારતના પેવેલિયનના ઉદ્ઘાટન સાથે શરૂ થઈ હતી, જેનું નામ ‘ઇન્ડિયા હાઉસ’ રાખવામાં આવ્યું છે. ‘ઇન્ડિયા હાઉસ’ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને તેના ઉદ્ઘાટન સમારોહમાં મુકેશ અંબાણી તેમ જ નીતા અંબાણી બંનેએ ભાગ લીધો હતો. આ દિવસનો એક ખાસ વિડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણી ત્યાં હાજર લોકો સાથે ભાંગડા કરતા જોઇ શકાય છે.
આવીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સુલબીરના પ્રખ્યાત ગીતો ‘ગલ બન ગયી’ અને ‘દેવા શ્રી ગણેશ દેવા’ પર નીતા અંબાણીએ પરફોર્મ કર્યું હતું.
નીતા અંબાણી દિલથી ભાંગડા ડાન્સ કરી રહ્યા છે. તેમની સાથે અન્ય લોકો પણ ડાન્સ કરી રહ્યા છે. નીતા અંબાણી ઘણા જ ખુશ જોવા મળી રહ્યા છે. તેમણે ગુલાબી રંગની સાડી પહેરી છે અને હંમેશની જેમ તેઓ ઘણા સુંદર લાગી રહ્યા છે.
નીતા અંબાણી સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર અને IOC સભ્ય પણ છે. તેમણે લા વિલેટમાં ઈન્ડિયા હાઉસના ઉદ્ઘાટન દરમિયાન જણાવ્યું હતું કે ઑલિમ્પિક્સમાં ભારત ખૂબ સારું પ્રદર્શન કરશે. ભારતની ઑલિમ્પિક ટીમમાં 47 ટકા એથ્લેટ્સ છોકરીઓ છે. આ બધું આપણા યુવાન છોકરાઓ અને છોકરીઓ માટે સ્ત્રી શક્તિ વિશેનો પાઠ હોઈ શકે છે . દરેક વ્યક્તિએ ફક્ત પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ.
ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક્સમાં 10 મીટર એર શૂટીંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુ પોતાની કારકિર્દીની બીજી ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહી છે. આ વખતે ભારતમાંથી કુલ 117 ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધો છે.
જે લોકોને અને ખાસ કરીને આજના યુવાનોને આ વાત કદાચ વિચિત્ર લાગશે કે એક મેડલ મળ્યો એમાં શું મોટી વાત છે. એ લોકોની જાણ ખાતર કે ઑલિમ્પિકમાં મેડલ લાવવો એ બહુ મોટી વાત છે અને ખાસ કરીને ભારત જેવા દેશ માટે તો ઘણી જ મોટી ઉપલબ્ધિ છે. ભારતે ક્યારેય ઑલિમ્પિકમાં શાનદાર દેખાવ કર્યો નથી. 140 કરોડ લોકોના દેશમાંથી જ્યારે મેડલની વાત આવે ત્યારે ભારત ગેમ્સ પૂરી થતા સુધીમાં માંડ બે-ચાર અને એ પણ મોટે ભાગે બ્રોન્ઝ કે ટીમ ઇવેન્ટમાં મેડલ લઇને આવ્યું છે. એવા સમયે ઇવેન્ટના પહેલા જ દિવસે ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો એ ઘણી મોટી વાત છે અને એ બાબત પણ દર્શાવે છે કે ભારતમાં હવે ધીમે ધીમે ક્રિકેટ સિવાય અન્ય સ્પોર્ટ્સને પણ પ્રાધાન્ય મળવા માંડ્યું છે. સરકાર પણ લોકોને પ્રોત્સાહન આપી રહી છે.