નિશિકાંત દૂબેએ લોકસભામાં કહ્યું “હા, અમે સંવિધાન બદલીશું”… અને

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી દરમિયાન વિપક્ષ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો કે નરેન્દ્ર મોદી જો ફરી વડા પ્રધાન બનશે તો તે દેશનું બંધારણ બદલાવી નાંખશે અને સત્તાધારી પક્ષનું પણ માનવું છે કે વિપક્ષના આવા ખોટા પ્રચારના કારણે ચૂંટણીમાં તેમને ફટકો પડ્યો. જોકે મંગળવારે સંસદમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પોતે કહ્યું કે અમે બંધારણ બદલાવીશું. જોકે, તેમનો કહેવાનો અર્થ કંઇક બીજો હતો.
નિશિકાંત દુબેએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન કહ્યું બંધારણ બદલવાની વાત કહેતા જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ બદલાવ્યું તો તે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા માટે બદલાવ્યું. બંધારણ બદલાવ્યું તો તે શેડ્યૂલ્ડ કાસ્ટ અને ઓબીસીને બંધારણીય દરજ્જો મળે એ માટે બદલાવ્યું.
ગોડ્ડાના ભાજપના સાંસદે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વિપક્ષ બંધારણ બચાવવાની વાત કરે છે, પરંતુ બંધારણમાં ફેરફાર તો ઇંદિરા ગાંધીએ કર્યા હતા. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 હટાવવા માટે અને શેડ્યૂલ્ડ કાસ્ટ અને ઓબીસીને બંધારણીય દરજ્જો મળે એ માટે બંધારણમાં ફેરફાર કર્યા છે. હવે જ્યારે પણ શેડ્યૂલ્ડ કાસ્ટ, શેડ્યૂલ્ડ ટ્રાઇબ અને ઓબીસીની વાત થશે તો અમે બંધારણ બદલાવીશું જ. અમને તેમાં કોઇ સંકોચ નથી.
તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે તમે બંધારણની વાત કરો છો. તમે કહો છો કે રાજ્યમાં વિભાજન કરી દેવાયું. તમને ખબર છે કે શું થયું? જ્યારે જવાહરલાલ નહેરુએ 1956માં સાતમું સંશોધન કર્યું ત્યારે તેમણે કહ્યું કે રાજ્યોને કોઇ જ અધિકાર નહીં હોય પોતાની સીમાઓ અડવાનો અને આ જ કારણ છે કે સાતમા સંશોધન બાદ 14 નવા રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશો બની ગયા. તમે બંધારણની વાત કરો છો. જ્યારે ઇમરજન્સી(કટોકટી)માં બધા નેતા જેલમાં પૂરાયેલા હતા ત્યારે 1976માં સ્વર્ણ સિંહકમિટી બનાવવામાં આવી અને 42મું સંશોધન કરવામાં આવ્યું. આ સંશોધને આપણા દેશને રાતોરાત ધર્મનિરપેક્ષ(સેક્યુલર) બનાવી દીધો. તમે તેમાં ઇન્ટિગ્રિટી શબ્દ જોડી દીધો. આખો દેશ ઇમાનદાર છે એટલે જ ઇમાનદારીથી ચાલે છે. તમે તેમાં ઇમાનદાર શબ્દો જોડી દીધો. તમે તેમાં સોશિયલિસ્ટ શબ્દ જોડી દીધો. બંધારણની આખી પ્રસ્તાવનાને બદલાવી નાંખી. તમે કહ્યું કે અમે લોકો કાયદો બનાવશું. અમારા પૂર્વજોએ અમને મૂળભૂત અધિકારો આપેલા છે. તેમાં તમે ફંડામેન્ટલ ડ્યૂટી શબ્દો જોડી દીધો. લોકસભાની મુદત જે પાંચ વર્ષ છે તેને તમે છ વર્ષની કરી દીધી. ન ખાતા ન બહી, જો ઇંદિરા કહે વો સહી, એમ કહી દુબેએ વિપક્ષને અરીસો દેખાડ્યો હતો.
રાહુલ ગાંધીએ સોમવારે આપેલા હિંદુઓ વિશેના વિવાદાસ્પદ નિવેદનને ટાંકતા દુબેએ જણાવ્યું હતું કે તમે શિવની વાત કરો છો. અધૂરો ઘડો વધુ છલકાય. જો તમારે શિવને જ બતાવવા હતા તો શિવ મંદિર ગયા હોત. ગુરુ નાનકને દેખાડવા હોત તો ગુરુદ્વારા ગયા હોત. સંસદમાં ફોટા શું બતાવી રહ્યા છો.