નેશનલ

નિર્મલા સીતારમણનો નવો કીર્તિમાન: સતત 9 બજેટ સાથે મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડ્યો’

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો છે. આ વર્ષે તેમનું બજેટ ભાષણ આશરે 85 મિનિટ ચાલ્યું હતું. નાણા પ્રધાને સવારે 11:00 વાગ્યે ભાષણની શરૂઆત કરી હતી અને બપોરે 12:25 વાગ્યે તેને પૂર્ણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, નિર્મલા સીતારમણના નામે સંસદીય ઈતિહાસમાં સૌથી લાંબુ અને સૌથી વધુ શબ્દોવાળું બજેટ ભાષણ આપવાનો પણ રેકોર્ડ નોંધાયેલ છે.

બજેટ રજૂઆત દરમિયાન માત્ર આર્થિક જાહેરાતો જ નહીં, પરંતુ નાણા મંત્રીની પહેરવેશ શૈલી અને તેમના તેવર પણ હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે તમિલનાડુના વારસાને સન્માન આપતી જાંબલી રંગની કાંચીવરમ સિલ્ક સાડી પહેરી હતી. નિર્મલા સીતારમણે વર્ષ 2021માં પરંપરાગત રીતે કાગળના બદલે ડિજિટલ ટેબ્લેટ દ્વારા પેપરલેસ બજેટ રજૂ કરવાની નવી પરંપરા પણ શરૂ કરી હતી, જે આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે.

વર્ષ 2020માં નિર્મલા સીતારમણે ભારતનો અત્યાર સુધીનો સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું, જે 2 કલાક અને 42 મિનિટ સુધી ચાલ્યું હતું. આ પહેલા 2019માં તેમનું ભાષણ 2 કલાક 17 મિનિટનું હતું. તેમની પહેલા સૌથી લાંબા ભાષણનો રેકોર્ડ પૂર્વ નાણા પ્રધાન જશવંત સિંહના નામે હતો, જેમણે વર્ષ 2003માં 2 કલાક 13 મિનિટનું ભાષણ આપ્યું હતું. જોકે, 2020ના ભાષણ દરમિયાન તબિયત નાદુરસ્ત થવાને કારણે તેમણે છેલ્લા બે પાના વાંચ્યા વગર જ સ્પીચ પૂર્ણ કરવી પડી હતી.

ગત વર્ષોની વાત કરીએ તો, વર્ષ 2024માં ચૂંટણીના કારણે રજૂ થયેલું વચગાળાનું બજેટ ભાષણ માત્ર 56 મિનિટનું હતું, જે તેમનું સૌથી ટૂંકું ભાષણ માનવામાં આવે છે. ત્યારબાદ મોદી સરકાર 3.0ના પ્રથમ પૂર્ણ બજેટમાં તેમણે 1 કલાક 25 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. નિર્મલા સીતારમણ સતત 9 બજેટ રજૂ કરનાર પ્રથમ નાણા પ્રધાન બનીને મોરારજી દેસાઈના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button