
નવી દિલ્હી: ગુજરાત સ્થિત નિપ્પોનપ્લાય ઈન્ડસ્ટ્રીઝે ગત શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણ વર્ષમાં નિકાસ વધારવા માટે ઉત્પાદન વધારવા, ઈ-કૉમર્સનું માળખું વિકસાવવા અને વેરહાઉસિંગ તથા ડિઝાઈન સેન્ટરો સ્થાપવા માટે રૂ. 250 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. હાલમાં કંપની પેનલ અને ફર્નિચર ઉત્પાદનના વિસ્તરણ માટે રૂ. 65 કરોડનું રોકાણ કર્યું છે.
ભવિષ્યમાં આગામી ત્રણ વર્ષમાં અમે રૂ. 250 કરોડનાં રોકાણની યોજના ધરાવીએ છીએ, જેમાં મુખ્યત્વે નિકાસલક્ષી ઉત્પાદનો, ઈ-કૉમર્સના માળખા, વૅરહાઉસિંગ અને ડિઝાઈનિંગ સેન્ટરો વિકસાવવાનો અને વૈશ્ર્વિક સ્તરની ભાગીદારીઓ મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે, એમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કેતન ઠક્કરે જણાવતા ઉમેર્યું હતું કે દેશમાં અને યુરોપ સહિતના અન્ય દેશોમાં ફર્નિચર ક્ષેત્રમાં વિકાસ માટેની ઘણી તકો છે. દેશમાં ફર્નિચર ઉદ્યોગમાં સુથારીકામથી મોડ્યુલર, બ્રાન્ડેડ સોલ્યુશન્સ અને મિડિયમ ડેન્સિટી ફાઈબરબોર્ડ પરથી વૂડ વિનિયરર્ડ પ્લાયવૂડ તરફના વલણમાં પરિવર્તન જોવા મળી રહ્યું હોવાનું ઠક્કરે જણાવતાં ઉમેર્યું હતું કે ફર્નિચર ક્ષેત્રમાં ભારત આગવું સ્થાન ધરાવે છે અને જો વ્યવસ્થિત ટેકો મળે તો મોડ્યુલરની નિકાસમાં વૈશ્ર્વિક અગ્રણી સ્થાન હાંસલ કરી શકે છે. તેમ જ કંપની યુરોપ, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા ખાતે નિકાસ માટેની ભાગીદારી માટે વાટાઘાટો કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: તમિલનાડુમાં ક્રૂડ ઓઈલની માલગાડીમાં વિકરાળ આગ: રેલવે વ્યવહાર ખોરવાયો, જુઓ ભયાવહ દ્રશ્યો!
જોકે, તેમણે ટિમ્બર અને કોટિંગના ભાવમાં જોવા મળતી ભારે ચંચળતા, ઈકો સર્ટિફાઈડ કાચા માલનાં વેન્ડરો અને ડિલિવરી અંગેનાં પડકારોનો ઉકેલ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં સરકારે ક્વૉલિટી ક્ધટ્રોલ ઓર્ડર જારી કરવા અંગે લીધેલા પગલાંથી ગ્રાહકોના વિશ્ર્વાસમાં વધારો થશે અને વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મકતામાં વધારો થશે. તેમ જ આ નિયમોને કારણે હલકી ગુણવત્તાવાળા માલની આયાત દૂર થશે અને સ્થાનિકમાં પ્રમાણિત ભારતીય ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં જીએસટીના મુદ્દે તેમણે સર્ટિફાઈડ ફર્નિચર પર 12 ટકાના સ્લેબની ભલામણ કરી હતી. નોંધનીય બાબત એ છે કે હાલ ફર્નિચર અને પેનલ પર 18 ટકા જીએસટી લાદવામાં આવે છે જેથી ગ્રાહકો પરનાં ભારણમાં વધારો થાય છે.