ફરી એક વખત ટ્રેક પર દોડશે નવ વંદે ભારત ટ્રેનો…
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોને ફરી એક વખત વંદે ભારત ટ્રેનોની ભેટ મળવા જઈ રહી છે અને આ વખતે આ ટ્રેનો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઓડિશા જેવા રાજ્યોમાં દોડાવાઈ શકે છે, કારણ કે આ રાજ્યમાં આગામી કેટલાક સમયમાં ચૂંટણીઓ યોજાવવાની છે.
રેલવેના સાધનો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વંદે ભારત ટ્રેનનું નિર્માણ કરનારી ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં ઓછામાં ઓછી નવ ટ્રેન બનીને તૈયાર છે. આ નવ ટ્રેનમાંથી સૌથી વધુ એટલે કે ત્રણ ટ્રેન દક્ષિણ રેલવેને એલોટ કરવામાં આવી છે. પહેલાંથી જ આ ઝોનમાં આટલી ટ્રેનો દોડી રહી છે.
જોકે, આ ટ્રેનો ક્યારે શરૂ કરવામાં આવશે એની તારીખોની જાહેરાત વિશે રેલવે દ્વારા હજી વિચારણા કરાઈ રહી છે. મંત્રાલય દ્વારા કોઈ મોટા આયોજનની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને પીએમ નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સહભાગી થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. છેલ્લી વખતે સાતમી જુલાઈના ગોરખપુરથી લખનઉ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ છેલ્લાં બે મહિનાથી એક પણ નવી ટ્રેન શરૂ કરવામાં નથી આવી.
આ નવી વંદે ભારત ટ્રેન કયા રૂટ પર દોડાવવામાં આવશે એ પણ નક્કી થયું નથી. પરંતુ સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે બે ટ્રેનો જયપુર-ઈંદોર અને જયપુર-ઉદયપુર વચ્ચે દોડાવાઈ શકે છે. આવી શક્યતા એટલે વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે આ બંને રાજ્યોમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણીઓ યોજાવવાની છે. હાલમાં થોડાક સમય પહેલાં કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઉદય, નીમચ અને ઈંદૌર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.
એક ટ્રેન ઓડિશાના પૂરી અને રાઉરકેલામાં શરૂ કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. ઓડિશાની પહેલી વંદે ભારત ટ્રેનના ઉદ્ધાટન સમયે જ રેલવે પ્રધાને કહ્યું હતું કે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ એક ટ્રેન રાઉરકેલાને પણ આપવામાં આવશે.