કાશ્મીરમાં નવ આતંકવાદી ઠાર
જમ્મુ: કાશ્મીરમાં ૩૬ કલાકમાં નવ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. ઉરીમાં એલઓસી પાર કરતા ચાર આતંકવાદીને તો કુલગામમાં શુક્રવારે સવારે પાંચ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા.
દરમિયાન, જમ્મુના રાજૌરી જિલ્લાના બુદ્ધલ વિસ્તારમાં પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી હોવાના અહેવાલ છે. કુલગામ જિલ્લામાં સતત બીજે દિવસે એટલે કે શુક્રવારે પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ ચાલુ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. ઠાર મરાયેલા આતંકવાદીઓ લશ્કરે તૈયબા સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. કાશ્મીરના આઈજીપી બી. કે. બિરદીના જણાવ્યા અનુસાર કુલગામમાં અમુક વિસ્તારમાં આતંકવાદીઓની હલચલની સુરક્ષાદળને જાણકારી મળી હતી. એ વિસ્તારમાં તપાસ કાર્યવાહી દરમિયાન ઘરમાં સંતાયેલા એક આતંકવાદીએ ગોળીબાર શરૂ કરતાં અથડામણનો આરંભ થયો હતો. પાંચ આતંકવાદીને ઠાર માર્યા બાદ જવાનોએ આતંકવાદીઓ જે ઘરમાં સંતાયા હતા તેને રોકેટ લૉન્ચરથી ફૂંકી માર્યું હતું.