નેશનલ

ગુજરાતમાં ફરી ૨૪ કલાકમાં નવ જણનાં હાર્ટએટેકથી મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં હાર્ટએટેકને કારણે નવ લોકોનાં મોત થયાં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં આઠ લોકોનાં હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વડોદરાના એક યુવાનનું કુવૈતમાં મોત થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરમાં હાર્ટએટેકને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેમાં જગદીશ જાદવ, લક્ષ્મણદાસ આસવાણી અને ભાવનગર આવી રહેલા ઉમેશ માંડલિયાનું હાર્ટએટેકને કારણે મોત થયું છે. તે ઉપરાંત સુરતમાં પણ હાર્ટએટેકથી જીવ જવાની ઘટનાઓ વારંવાર બહાર આવી રહી છે. શહેરમાં એક જ દિવસમાં ત્રણ લોકો હૃદયરોગના હૂમલાથી મોતને ભેટ્યાં છે. સુરતના અમરોલીમાં સાહિલ રાઠોડ, પાંડેસરામાં સંજય સહાની અને વરાછામાં મહેશ ખાંમ્બરનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
વડોદરાની વાત કરીએ તો વીઆઈપી રોડ પરની અશોક વાટિકામાં રહેતા યુવાનને બેચેની જેવું લાગતાં જ તે ડોક્ટરને બતાવવા માટે ગયો હતો અને સારવાર દરમિયાન જ ઢળી પડ્યો હતો. જ્યારે અન્ય એક કેસની વાત કરીએ તો વડોદરાના નાગરવાડા વિસ્તારના પ્રકાશ ચૌહાણને કુવૈતમાં હાર્ટએટેક આવ્યો હતો. હવે કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે. તે ઉપરાંત પાટણમાં પણ એક આધેડનું હાર્ટએટેકને કારણે મોત નીપજ્યું છે. ચાણસ્માના રણાસણ ગામના સરપંચના પતિ કાનજીભાઈ પરમાર સિદ્ધપુરમા દીકરીને ત્યાં ગયા હતાં અને તેમને હાર્ટએટેક આવ્યો હતો.

ગુજરાત સહિત દેશભરમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જોઈએ. તેમણે આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચનો હવાલો આપી આમ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button