નેશનલ

યુપીમાં ગેરકાયદે ધર્મપરિવર્તન કાયદા હેઠળ નવની ધરપકડ

સોનભદ્ર: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ગરીબ અને આદિવાસી લોકોને પ્રલોભનો આપીને ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર ૪૨ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કાયદા હેઠળ નવની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પકડાયેલા આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ધાર્મિક પુસ્તકો, પ્રચાર સામગ્રી અને લેપટોપ મળી આવ્યા હતા. આ અંગે અધિક પોલીસ અધિક્ષક કાલુ સિંહે જણાવ્યું હતું કે, જિલ્લાના ચોપાન પોલીસ સ્ટેશન વિસ્તારના માલહિયા ટોલાના રહેવાસી નરસિંહે ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક લોકો લલચાવીને
આદિવાસી અને ગરીબ લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લલચાવી રહ્યા હતા. ફરિયાદના આધારે ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ લોફુલ ક્ધવર્ઝન ઓફ રિલિજયન એક્ટ હેઠળ ૪૨ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. ત્યારબાદ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં તામિલનાડુના ચેન્નાઇના જયપ્રભુ, ઉત્તર પ્રદેશના રોબર્ટસગંજના અજય કુમાર અને આંધ્ર પ્રદેશના વિજયવાડાના ચેક્કા ઇમેન્યુઅલનો સમાવેશ થાય છે. બાકીના ઝડપાયેલા આરોપીઓની ઓળખ રાજેન્દ્ર કોલ, છોટુ ઉર્ફે રંજન, પરમાનંદ, સોહન, પ્રેમનાથ પ્રજાપતિ અને રામ પ્રતાપ તરીકે કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button