એનઆઇએના ખાલિસ્તાની આતંકવાદી ગોલ્ડી બ્રાર સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ આજે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના આતંકવાદી સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા.
ગુરુગ્રામમાં સેક્ટર-૨૯ ખાતે વેરહાઉસ ક્લબ અને હ્યુમન ક્લબમાં ડિસેમ્બર ૨૦૨૪માં થયેલા ગ્રેનેડ હુમલામાં એજન્સીની તપાસના સંદર્ભમાં કેનેડા સ્થિત આતંકવાદી બ્રાર અને યુએસ સ્થિત ગેંગસ્ટર રણદીપ મલિક સાથે સંકળાયેલા શંકાસ્પદ અને આરોપીઓની જગ્યાઓની તપાસ કરવામાં આવી હતી.
એનઆઇએ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “આજે સવારે બંને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આઠ સ્થળોએ કરાયેલી સર્ચ દરમિયાન અનેક ઈલેક્ટ્રોનિક અને અન્ય ગુનાહિત સામગ્રીઓ મળી આવી હતી.”
આ પણ વાંચો: મણિપુરમાં ચાર નાગરિકની હત્યાઃ એનઆઇએએ એક આતંકવાદીની કરી ધરપકડ
બોમ્બ વિસ્ફોટની ઘટના પાછળના કાવતરાનો પર્દાફાશ કરવા માટે એનઆઈએ દ્વારા સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં હુમલામાં સામેલ આરોપીઓ પાસેથી શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. એનઆઇએએ જણાવ્યું હતું કે હુમલા પછી તરત જ ગેંગસ્ટર રોહિત ગોદરાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જવાબદારી લીધી હતી.
એનઆઇએ દ્વારા અનુગામી તપાસમાં મલિક અને નિયુક્ત વ્યક્તિગત આતંકવાદી બ્રારનો પર્દાફાશ થયો હતો, જેણે અગાઉ ધમકી આપી હતી અને ક્લબના માલિકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો, તે હુમલાનો માસ્ટરમાઇન્ડ છે, એમ તેમણે ઉમેર્યું હતું. એનઆઇએએ જણાવ્યું હતું કે, ૦૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ નોંધાયેલા આ કેસની તપાસ ચાલુ છે.