મીરા રોડ, થાણે સહિત ૪૪ સ્થળે એનઆઇએના દરોડા
૧૫ની ધરપકડ: ઇસ્લામિક સ્ટેટના ષડ્યંત્રનો પર્દાફાશ: શસ્ત્રો, નાણાં પકડાયાં
નવી દિલ્હી: દેશની ત્રાસવાદવિરોધી સંસ્થા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા પડઘા – બોરીવલી (ભીવંડી તાલુકો), થાણે, મીરા રોડ, પુણે, કર્ણાટકના બેંગલૂરુ સહિત ૪૪ સ્થળે દરોડા પાડીને દેશમાં ત્રાસવાદ ફેલાવવાના ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (આઇએસઆઇએસ)ના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ દરોડા દરમિયાન ઓછામાં ઓછા ૧૫ જણની ધરપકડ કરાઇ હતી. દરોડામાં મોટી બિનહિસાબી રોકડ રકમ, બંદૂકો, તીક્ષ્ણ હથિયારો, વાંધાજનક દસ્તાવેજો, સ્માર્ટ ફોન્સ, ડિજિટલ સાધનો જપ્ત કરાયાં હતાં.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારી અનેક ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન પકડાયેલા લોકોમાં ઇસ્લામિક સ્ટેટ તરીકે પણ ઓળખાતા આઇએસઆઇએસ વતી યુવાનોની આ ત્રાસવાદી સંગઠનમાં ભરતી કરીને તેઓને ઇસ્લામિક સ્ટેટ પ્રત્યેની વફાદારીના શપથ લેવડાવતા નેતાનો પણ સમાવેશ થાય છે. તેઓનો હેતુ દેશમાં હિંસા દ્વારા ત્રાસવાદ ફેલાવીને નિર્દોષ લોકોનો જાન લેવાનો હોવાનો આરોપ છે.
તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાંથી પકડાયેલા ઇસ્લામિક સ્ટેટના બધા કહેવાતા નેતા અને કાર્યકરો પડઘા – બોરીવલી (ભીવંડી તાલુકો) ખાતેથી પ્રવૃત્તિ કરતા હતા અને તેઓનો હેતુ દેશભરમાં હિંસા ફેલાવવાનો હતો.
એનઆઇએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જેહાદ, ખીલાફત, ઇસ્લામિક સ્ટેટ વગેરેની પ્રવૃત્તિ દ્વારા આ લોકો દેશભરમાં શાંતિ અને કોમી એખલાસનો ભંગ કરીને ભારત સરકારની સામે ‘યુદ્ધ’ શરૂ કરવા માગતા હતા. આ ઉપરાંત, પકડાયેલા લોકો થાણે ગ્રામીણ વિસ્તારમાંના પડઘાને ‘આઝાદ’ અને ‘અલ-શામ’ (બૃહદ સિરિયાનો પ્રદેશ) ગણાવતા હતા. તેઓ મુસ્લિમો, ખાસ કરીને મુસ્લિમ યુવાનોને પડઘા ખાતે રહેવા આવીને તે વિસ્તારમાં મુસ્લિમોની તાકાત વધારવા માટે આહ્વાન પણ કરતા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાકિબ નાચન નામનો એક નેતા યુવાનોની ત્રાસવાદી સંગઠનમાં ભરતી કરીને તેઓને ઇસ્લામિક સ્ટેટના ખલિફા (વડા) પ્રત્યેની વફાદારીના શપથ લેવડાવતો હતો. ઇસ્લામિક સ્ટેટ દેશમાં અનેક સ્થળે યુવાનોની ત્રાસવાદી
સંગઠનમાં ભરતી કરીને હિંસા ફેલાવવા પ્રયાસ કરતું હોવાનો આરોપ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ચાલુ વર્ષે ઇસ્લામિક સ્ટેટના મહારાષ્ટ્ર મૉડ્યૂલની સામે કેસ પણ નોંધ્યો હતો. તેણે ભારતમાં હિંસા ફેલાવવા માટેના ઇસ્લામિક સ્ટેટના ષડ્યંત્રને નિષ્ફળ બનાવવા અગાઉ પણ દેશમાં અનેક સ્થળે દરોડા પાડીને ઘણાં લોકોની ધરપકડ કરીને હતી અને તેઓની પાસેથી શસ્ત્રો તેમ જ વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. (એજન્સી)