નેશનલ

એનઆઈએના પંજાબ અને હરિયાણામાં ૧૪ સ્થળે દરોડા

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ આ વર્ષની શરૂઆતમાં સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાની તપાસના સંદર્ભમાં બુધવારે પંજાબ અને હરિયાણામાં ૧૪ સ્થળે દરોડા પાડ્યા હોવાની માહિતી જાણવા મળી હતી. એનઆઈએ દ્વારા પંજાબના મોગા, જલંધર, લુધિયાણા, ગુરદાસપુર, મોહાલી અને પટિયાલા અને હરિયાણાના કુરુક્ષેત્ર અને યમુનાનગર જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૧૯ માર્ચ અને બે જુલાઈના રોજ થયેલા હુમલા પાછળના સંપૂર્ણ કાવતરાનો પર્દાફાશ કરવા માટે આ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગુનાહિત તોડફોડ, જાહેર સંપત્તિને નુકસાન અને કોન્સ્યુલેટના અધિકારીઓને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સામેલ હતા અને બિલ્ડિંગને આગ લગાડવામાં આવી હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દરોડા વખતે આરોપી વ્યક્તિઓ સાથે સંબંધિત અન્ય ગુનાહિત દસ્તાવેજો અને સંબંધિત માહિતી ધરાવતો ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યો હતો.

એનઆઈએ હુમલાખોરોને ઓળખવા અને તેમની સામે કાર્યવાહી કરવા અને આવા ભારત વિરોધી તત્ત્વોને મજબૂત સંદેશ આપવાના ઉદ્દેશ્ય સાથે કેસની તપાસ કરી રહી છે.
એનઆઈએની એક ટીમ ઑગસ્ટ ૨૦૨૩માં કોન્સ્યુલેટ પર હુમલાની ઘટનાઓની તપાસ કરવા સાન ફ્રાન્સિસ્કોની મુલાકાતે ગઈ હતી.

તેની તપાસના ભાગ રૂપે, એનઆઈએએ આ હિંસક ઘટનાઓમાં સામેલ યુ.એસ.-સ્થિત સંસ્થાઓ અને વ્યક્તિઓ વિશેની માહિતીને ઓળખવા અને એકત્રિત કરવા માટે માહિતી અનેક લોકોની મદદ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button