ભારતે રશિયાની બ્લેકલિસ્ટેડ એજન્સીને ટેકનીકલ ડીવાઈસ વેચ્યા? મીડિયા રીપોર્ટમાં દાવો, ભારતે આપ્યો આવો જવાબ

નવી દિલ્હી: યુએસના એક પ્રમુખ અખબારમાં પ્રકાશિત એક અહેવાલમાં ભારત પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતાં. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ રશિયાને શસ્ત્રો સપ્લાય કરતી બ્લેકલિસ્ટેડ એજન્સીને સંવેદનશીલ ટેકનીકલ ડીવાઈસ વેચ્યા છે. ભારત સરકારે આ અહેવાલમાં લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે અખબારી અહેવાલને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યો હતો. વિદેશ માત્રલાયે રીપોર્ટને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો. વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો કે અહેવાલમાં જાણી જોઈને મુદ્દાઓને તોડીમરોડીને રજુ કરવામાં આવ્યા છે, ભારતની ઈમેજને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની લકઝરી કારમાં વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહિ
વિદેશ મંત્રાલયનો જવાબ
વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “આ અહેવાલમાં જે ભારતીય કંપનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેણે ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજિક ટ્રેડ કંટ્રોલ્સ અને એન્ડ-યુઝર્સ કમિટમેન્ટ્સનું પાલન કર્યું છે.”
વિદેશ માત્રલાયે મીડિયા હાઉસને કોઈપણ અહેવાલ પ્રકાશિત કરતા પહેલા યોગ્ય તપાસ કરવા વિનંતી કરી છે.
મીડિયા રીપોર્ટમાં શું આરોપ લગાવવામાં આવ્યા?
28 માર્ચે ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે બ્રિટિશ એરોસ્પેસ ઉત્પાદક HR સ્મિથ ગ્રુપ દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના મારફતે રશિયાને ટેક્નિકલ ડિવાઈસની સપ્લાય કરી હતી. આરોપ મુજબ રશિયાને ટ્રાન્સમીટર, કોકપીટ ડિવાઈસીસ અને અન્ય સંવેદનશીલ પાર્ટ્સ સપ્લાય કરવામાં આવ્યા હતાં.
અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બ્રિટન અને અમેરિકાએ આ સાધનો રશિયાને ન વેચવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે HAL આ સાધનો બ્લેકલિસ્ટેડ રશિયન એજન્સી રોસોબોરોનેક્સપોર્ટ (Rosoboronexport)ને મોકલ્યા હતા.
હવે ભારતે આ અહેવાલમાં કરવામાં આવેલા દાવાને નકારી કાઢ્યા છે.