‘ન્યુઝક્લીક’ના સ્થાપક પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ધરપકડને યોગ્ય ઠેરવતા દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકારશે
વેબ ન્યુઝ પોર્ટલ ન્યુઝ ક્લીકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થની ધરપકડને દિલ્હી હાઇકોર્ટે યોગ્ય ઠેરવતા હવે તેમણે સુપ્રીમ કોર્ટનું શરણ લીધું છે. દિલ્હી હાઇકોર્ટે પ્રબીર પુરકાયસ્થ અને એચઆર હેડ અમિત ચક્રવર્તીને મોટો ઝટકો આપતા શુક્રવારે સંભળાવેલા નિર્ણયમાં UAPA હેઠળની બંનેની ધરપકડ અંગે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. જેથી બંનેએ હવે સુપ્રીમ કોર્ટમાં ન્યાયની ગુહાર લગાવી છે અને આ અરજીની ત્વરિત સુનાવણીની માગ કરી છે.
દિલ્હી હાઇકોર્ટે અરજીકર્તાઓની દલીલો સાંભળ્યા બાદ આદેશ આપ્યો હતો કે UAPA હેઠળ જે ધરપકડ થઇ છે તે યોગ્ય છે તેમજ કોર્ટે કહ્યું હતું કે તે ‘સલાહભર્યું’ રહેશે કે પોલીસ ‘સંવેદનશીલ સામગ્રી’ યોગ્ય રીતે રજૂ કર્યા પછી લેખિતમાં આરોપીને ધરપકડનું કારણ આપે. અરજીઓને ફગાવી દેતા ન્યાયમૂર્તિ તુષાર રાવ ગેડેલાએ કહ્યું હતું કે ધરપકડ અને તેને કસ્ટડીમાં મોકલવાનો આદેશ કાયદેસર અથવા બંધારણીય જોગવાઈઓ અથવા કોઈપણ “પ્રક્રિયાગત ક્ષતિ”નું ઉલ્લંઘન નથી.
દિલ્હી કોર્ટે કહ્યું હતું કે સમગ્ર મામલાને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં તપાસ્યા પછી એવું લાગે છે કે અરજદારને ધરપકડ પછી શક્ય તેટલી વહેલી તકે ધરપકડના કારણો વિશે જાણ કરવામાં આવી હતી અને આ રીતે UAPAની કલમ 43B હેઠળ કોઈ પ્રક્રિયામાં ખામી દેખાઇ નથી રહી. અદાલતે કહ્યું હતું કે ભારતના બંધારણની કલમ 22(1) ની જોગવાઈઓનું ઉલ્લંઘન થયું નથી અને ધરપકડ કાયદા હેઠળની જ છે.