નિષ્ઠુર માતા-પિતાઃ 5 દિવસની માસૂમ બાળકી પર પણ દયા ન આવી
ચંડીગઢ: એમ કહેવાય છે કે છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ના થાય, પણ ચંડીગઢમાંથી એક એવા નિષઅઠુર માતા-પિતાનો કિસ્સો જાણવા મળ્યો છે, જેણે માનવતાને શર્મસાર કરી નાખી છે. નિષ્ઠુર માતા-પિતાએ તેમની 5 દિવસની માસૂમ બાળકીને ટુવાલમાં લપેટીને સેક્ટર-16ની જનરલ હોસ્પિટલના બાથરૂમની બહાર મૂકીને ભાગી ગયા હતા. બાળકીના રડવાનો અવાજ સાંભળીને સફાઈ કામદાર બાથરૂમ તરફ ગયો હતો અને તેને ઉપાડીને પોલીસ અને હોસ્પિટલ સ્ટાફને જાણ કરી હતી.
5 દિવસની માસૂમ બાળકીને તાત્કાલિક નર્સિંગ વોર્ડમાં ખસેડવામાં આવી હતી. સેક્ટર-17 પોલીસ સ્ટેશને સેક્ટર-25માં રહેતા સફાઈ કામદારની ફરિયાદ પરથી અજાણ્યા માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. હોસ્પિટલમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. હાલમાં પોલીસ કેમેરાની તપાસ કરી રહી છે જેથી માતા-પિતાની કંઇક જાણકારી મળી શકે. પોલીસે છેલ્લા એક સપ્તાહમાં જન્મેલા બાળકો અને તેમના માતા-પિતાનો રેકોર્ડ પણ મગાવ્યો છે.
સેક્ટર-25માં રહેતા સફાઈ કામદારે પોલીસને જણાવ્યું હતું કે તે સેક્ટર 16 જનરલ હોસ્પિટલના 5માં માળે પ્રાઈવેટ વોર્ડની સફાઈ કરી રહ્યો હતો. સાંજે છ વાગ્યાની આસપાસ તેને બાથરૂમ પાસે બાળકીના રડવાનો અવાજ સંભળાયો. બાળકી બાથરૂમ પાસે ટુવાલમાં લપેટાયેલી હતી. સફાઇ કામદારે બાળકીને ઉપાડી લીધી હતી અને પોલીસ અને હોસ્પિટલ સ્ટાફને આ અંગે જાણ કરી હતી. જ્યારે ડોક્ટરોએ બાળકીની તપાસ કરી તો તે બિલકુલ સ્વસ્થ હતી.