ન્યૂ ઝીલૅન્ડના પેસ બોલિંગ ઑલરાઉન્ડર ડગ બ્રેસવેલે નિવૃત્તિ લઈ લીધી

હૅમિલ્ટનઃ ન્યૂ ઝીલૅન્ડ વતી 28 ટેસ્ટમાં 74 વિકેટ, 21 વન-ડેમાં 26 વિકેટ અને 20 ટી-20 મૅચમાં 20 વિકેટ લઈ ચૂકેલા રાઇટ-આર્મ પેસ બોલર ડગ બ્રેસવેલે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
35 વર્ષનો સીમ બોલર ન્યૂ ઝીલૅન્ડ વતી છેલ્લે 2023માં ટેસ્ટ મૅચમાં રમ્યો હતો. 2011થી 2023 સુધીની 12 વર્ષની કરીઅરમાં બ્રેસવેલનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ ડિસેમ્બર, 2011માં હતો જેમાં તેણે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં કુલ 60 રનમાં નવ વિકેટ લીધી હતી.
ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત અપાવી
ન્યૂ ઝીલૅન્ડે ત્યારે 26 વર્ષે ઑસ્ટ્રેલિયામાં પહેલી વાર ટેસ્ટમાં વિજય માણ્યો હતો. ત્યાર બાદ કિવીઓ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ નથી જીતી શક્યા. ડગ બ્રેસવેલે સૌથી વધુ 19 ટેસ્ટ વિકેટ ઑસ્ટ્રેલિયા સામે લીધી હતી. ભારત સામે તે બે મૅચમાં ત્રણ વિકેટ લઈ શક્યો હતો. ભારત સામે તે એક પણ ટી-20 નહોતો રમ્યો.
પરિવારના છ જણ ક્રિકેટર, કઝિન ભારતની ટૂરમાં કૅપ્ટન
ડગ બ્રેસવેલ સહિત પરિવારના કુલ છ જણ ક્રિકેટર છે. ડગ આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ વતી રમ્યો હતો. તેના પિતા બ્રેન્ડન બ્રેસવેલ 1978થી 1985 દરમ્યાન ન્યૂ ઝીલૅન્ડ વતી છ ટેસ્ટ અને એક વન-ડે, તેના (ડગ બ્રેસવેલના) કાકા જૉન બ્રેસવેલ 1980થી 1990 દરમ્યાન 41 ટેસ્ટ અને 90 વન-ડે રમ્યા હતા. ડગના બીજા બે કાકા માર્ક બ્રેસવેલ અને ડગ્લાસ બ્રેસવેલ પણ ક્રિકેટર હતા. ડગનો પિતરાઈ ભાઈ માઇકલ બ્રેસવેલ કુલ 97 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો છે અને હજી પણ રમી રહ્યો છે. માઇકલ બ્રેસવેલ આવતા મહિના ભારતના પ્રવાસ દરમ્યાન ન્યૂ ઝીલૅન્ડની વન-ડે ટીમનું સુકાન સંભાળશે.
જીતેન પટેલ જેવી સિદ્ધિ
ડગ બ્રેસવેલે ન્યૂ ઝીલૅન્ડની પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 4,000 રન કરવા ઉપરાંત 400 વિકેટ પણ લીધી હતી. આવી સિદ્ધિ ન્યૂ ઝીલૅન્ડનો સ્પિનર જીતેન પટેલ મેળવી ચૂક્યો છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડગની કુલ 437 વિકેટ છે.



