સિંગાપોરથી ભારતમાં પહોંચ્યા કોરોનાના નવા વેરિયન્ટ, દેશમાં નોંધાયા 324 કેસ, આ રાજ્યમાં સૌથી વધુ કેસ
નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાવાયરસના અત્યાર સુધીમાં 324 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 290 કેસ કોરોના KP.1 KP.2 ના નવા વેરિયેન્ટના છે. ઉલ્લેખનીય છે કે KP.1 એ કોરોનાના JN1 Omicron વેરિયન્ટનું સબ-વેરિઅન્ટ છે, જેણે સિંગાપોરમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં KP.1 વેરિઅન્ટના લગભગ 34 કેસ નોંધાયા છે. જો કે હજુ સુધી કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર નથી.
મીડિયા અહેવાલો મુજબ, આ પ્રકારમાં પરિવર્તન ઝડપી ગતિએ થતું રહેશે અને આ SARS-CoV2 જેવા વાયરસનું પ્રાકૃતિક વર્તન જ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, INSACOG સર્વેલન્સ સંવેદનશીલ છે અને કોઈપણ નવા પ્રકારને પકડવામાં સક્ષમ છે અને વાયરસને કારણે રોગની ગંભીરતામાં કોઈ ફેરફાર જોવા માટે હોસ્પિટલોમાંથી સેમ્પલો પણ લેવામાં આવે છે.
ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં KP.1 ના 34 કેસ મળી આવ્યા છે, જેમાંથી 23 કેસ પશ્ચિમ બંગાળમાંથી નોંધાયા છે, જ્યારે અન્ય રાજ્યોમાં – કેસના આકડાં જોઈએ તો ગોવા (1), ગુજરાત (2), હરિયાણા (1), મહારાષ્ટ્ર (4), રાજસ્થાન (2) અને ઉત્તરાખંડમાં (1) કેસ નોંધાયો છે.
બીજા નવા વેરિયેન્ટ એટલે કે KP.2 વિશે વાત કરીએ તો, આંકડા અનુસાર, KP.2 ના અત્યાર સુધીમાં 290 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 148 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. બીજા નંબરના સૌથી વધુ કેસ પશ્ચિમ બંગાળના છે જે 36 છે. આ ઉપરાંત ગુજરાતમાંથી 23, રાજસ્થાનમાંથી 21, ઓડિશામાંથી 17, ઉત્તરાખંડમાંથી 16, ગોવામાં 12, યુપીમાંથી 8, કર્ણાટકમાંથી 4, હરિયાણામાંથી 3 અને દિલ્હીમાંથી 1 કેસ નોંધાયો છે.
સૌથી ચિંતાજનક હાલત સિંગાપોરનીી થઈ છે, ત્યાં અત્યાર સુધીમાં આ કોવિડ વેરિઅન્ટના 25,900 વધુ કેસ નોંધાયા છે. તેમાંથી, KP.1 અને KP.2 સિંગાપોરમાં બે તૃતીયાંશ કરતાં વધુ કેસ માટે જવાબદાર છે. KP.1 અને KP.2 કોવિડ-19 વેરિઅન્ટ્સના જૂથ સાથે સંબંધિત છે. વૈજ્ઞાનિકોએ તેમના મ્યુટેશનના ટેક્નિકલ નામોના આધારે તેમને ‘FLiRT’ ઉપનામ આપ્યું છે. FLiRT માં તમામ સ્ટ્રેન JN.1 વેરિઅન્ટના વંશજ છે, જે ઓમિક્રોન વેરિઅન્ટનો એક ભાગ છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર KP1 અને KP2 પણ કોરોનાના JN1 વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ છે. જો કે આ પ્રકારથી સંક્રમિત દર્દીઓમાં હજુ સુધી રોગના ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ ઓછી છે. આવી સ્થિતિમાં ચિંતા કરવા જેવું કંઈ નથી. આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે આ પ્રકારોમાં પરિવર્તનની પ્રક્રિયા ચાલુ રહેશે અને આ કોરોના વાયરસની પ્રકૃતિ પણ છે.