નેશનલ

GST કલેક્શનનો નવો રેકોર્ડ: સરકારની તિજોરી છલકાઈ, ₹ 22 લાખ કરોડને પાર!

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)એ ભારત સરકાર માટે ખરા અર્થમાં કમાઉ દીકરો સાબિત થઈ રહ્યો છે, કારણ કે GST કલેક્શને નાણાકીય વર્ષ 2024-25માં ₹22.08 લાખ કરોડના સર્વોચ્યસ્તરે પહોંચીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ આંકડો નાણાકીય વર્ષ 2020-21માં નોંધાયેલા ₹ 11.37 લાખ કરોડ કરતાં લગભગ બમણો છે, જે દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં GST કલેક્શનમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે.

જીએસટી વધતા સરકારના ખજાનામાં સતત વધારો

જ્યારથી કેન્દ્ર સરકારે GST લાગુ કર્યો છે ત્યારથી જ તે સરકારના ખજાના માટે ફાયદારૂપ સાબિત થયો છે. GST લાગુ થયા પછી સરકારના ખજાનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં નોંધાયેલ ₹ 22.08 લાખ કરોડનું ગ્રોસ GST કલેક્શન અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં 9.4 ટકાથી વધુ છે. આ વૃદ્ધિ ભારતની રાજકોષીય આવકને મજબૂત બનાવવામાં મદદ કરી રહી છે.

આ પણ વાંચો: બે હજાર રૂપિયાથી વધુના વ્યવહારો પર GST લાગશે? જાણો શું કહ્યું નાણા મંત્રાલયે…

2024-25માં માસિક GST કલેક્શન ₹ 1.84 લાખ કરોડ

નાણાકીય વર્ષ 2024-25માં સરેરાશ માસિક GST કલેક્શન ₹ 1.84 લાખ કરોડ રહ્યું, જે નાણાકીય વર્ષ 2023-24માં ₹ 1.68 લાખ કરોડ અને 2021-22માં ₹ 1.51 લાખ કરોડ હતું. નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં આ માસિક સરેરાશ કલેક્શન ₹ 2 લાખ કરોડની નજીક પહોંચી શકે છે, જે ભારતીય અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે.

આઠ વર્ષમાં કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો

GST લાગુ થયાના આઠ વર્ષમાં નોંધાયેલા કરદાતાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 2017માં 65 લાખ કરદાતાઓ હતા, જે હવે વધીને 1.51 કરોડથી વધુ થઈ ગયા છે. સરકારી નિવેદન અનુસાર GST એ મહેસૂલસંગ્રહ અને કર આધાર વધારવામાં મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. GSTએ પરોક્ષ કરવેરાને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button