ડ્રોન સેક્ટર માટે નવી પીએલઆઇ યોજના લાવવાની તૈયારીમાં સરકાર, જાણો શું થશે લાભ?
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ડ્રોન સેક્ટર માટે નવી પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) સ્કીમ લાવવાની યોજના બનાવી રહી છે. આ યોજના અમલીકરણ, દસ્તાવેજીકરણ અને અન્ય પાસાઓના સંદર્ભમાં વધુ અસરકારક રહેશે. નાગરિક ઉડ્ડયન સચિવ વુમલુનમેંગ વુઆલનામે બુધવારે જણાવ્યું હતું કે સરકાર ડ્રોન ક્ષેત્રમાં આગામી પીએલઆઇ યોજના લાવવાનો પ્રયાસ કરી રહી છે.
ડ્રોન ક્ષેત્ર માટે પ્રથમ પીએલઆઇ યોજના 2021માં 120 કરોડ રૂપિયાના ખર્ચ સાથે રજૂ કરવામાં આવી હતી. આ યોજના ત્રણ નાણાકીય વર્ષ (2021-24) માટે રજૂ કરવામાં આવી હતી. જે હવે બંધ કરવામાં આવી છે.
નાગરિક ઉડ્ડયન સચિવે સ્વીકાર્યું હતું કે પ્રથમ યોજના હેઠળ કેટલીક પ્રક્રિયાઓ ડ્રોન ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (એમએસએમઇ) માટે બોજારૂપ હતી, પરંતુ સરકાર અમલીકરણ, દસ્તાવેજીકરણ અને અપનાવવામાં આવનારી પ્રક્રિયાઓના સંદર્ભમાં વધુ કાર્યક્ષમ પીએલઆઇ યોજના પર વિચાર કરશે.
વુઆલનામના જણાવ્યા અનુસાર, ડ્રોન ક્ષેત્રને ત્રણ વિભાગો નાગરિક ઉપયોગ, સુરક્ષા/રક્ષણ દળો દ્વારા ઉપયોગ અને ડ્રોનનો ગેરકાયદેસર અથવા અનિયંત્રિત ઉપયોગમાં વિભાજીત કરાશે. “અમે આ ત્રણ ક્ષેત્રોમાં કેવી રીતે કાર્ય કરીએ છીએ તે વિશે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ. તેમણે એ વાત પર ભાર મુક્યો હતો કે ડ્રોનના દુરુપયોગની કેટલીક ઘટનાઓ યુવાનો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા ડ્રોનના વધુ ઉપયોગને અવરોધે છે.
આ પણ વાંચો : યુદ્ધનું આધુનિક હથિયાર ડ્રોન
ફિક્કી દ્ધારા આયોજીત એક સંમેલનને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે “આપણે ધ્યાન રાખવું પડશે કે એન્ટી-ડ્રોન ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે. ફિક્કીના એક પત્રમાં સૂચન કરાયું હતું કે નવી યોજના હેઠળ ખર્ચ વધારીને 1000 કરોડ રૂપિયા કરવો જોઈએ જેથી સ્ટાર્ટઅપ અને નવા ઉદ્યોગસાહસિકોને વધુ સ્વદેશી સ્પેરપાર્ટ્સ સબ-સિસ્ટમ સાથે ડ્રોન વિકસાવવામાં મદદ મળી શકે.
નાગરિક ઉડ્ડયન સચિવે કહ્યું કે નમો ડ્રોન દીદી યોજના હેઠળ 3,000 વધુ ડ્રોન ખરીદવા માટે ટેન્ડર તૈયાર છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને કૃષિ ડ્રોન આપવાનો છે અને 15000 ડ્રોન મહિલાઓની આગેવાની હેઠળના એસએચજીને આપવામાં આવશે. 1,000 ડ્રોનની પ્રથમ બેચ વિતરિત કરાઇ હતી. યોજના હેઠળ 3,000 ડ્રોન માટે ટેન્ડર તૈયાર છે અને સંબંધિત એજન્સીઓ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.